રીઝર્વ બેંકનાં નિયમોની એક..બે.. અને સાડી ત્રણ : મોરબી ઈ-ધરા કેન્દ્રમાં રૂ. ૧૦નાં ચલણી સિક્કાનો અસ્વીકાર

- text


ઇ-ધરા નાયબ મામલતદારનાં રીઝર્વ બેંનાં નિયમોનો ઉલાળીયો કરતાં વર્તન અંગે જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ

મોરબીમાં રૂ.૧૦ના ચલણી સિક્કા ચલણમાં હોવા છતાં ઇ-ધરા કેન્દ્રોમાં સ્વીકારવામાં ન આવતા હોવાથી રીઝર્વ બેંકનાં નિયમોનો ભંગની સાથે પ્રજાજનોને હાલાકીનો ભોગ બનવું પડતું હોવાની જાણકારી મળી છે.
મળતી વિગતો મુજબ રૂ.૧૦ના ચલણી સિક્કા ચલણમાં જ હોવાની રીઝર્વ બેંકની સ્પષ્ટ જાહેરાત હોવા છતાં જિલ્લાનાં સમાહર્તા એટલે કે જિલ્લા કલેક્ટરશ્રીની તાબા હેઠળની કચેરીઓમાં રૂ.૧૦ના સિક્કા સ્વીકારાતા ન હોવાથી ચોકાવનારી હકીકતો સામે આવી છે. મોરબી તાલુકા સેવા સદનમાં આવેલા ઇ-ધરા કેન્દ્રોમાં ૯-૧૨-૮ અનાં દાખલો લેવા આવતા પ્રજાજનો નિયત ફી પેટે રૂ.૧૦નાં સિક્કા આપે તો જાણે કોઈ ગુન્હો કર્યો હોય તેવું વર્તન કરી ઇ-ધરાનાં ખાનગી રોજમદાર ઓપરેટરો રીઝર્વ બેંકનાં ગવર્નર જેવો વર્તાવ કરી સિક્કા સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે છે.
ઇ-ધરા કેન્દ્રમાં રૂ.૧૦ના સિક્કાનાં અસ્વીકાર કરી રીઝર્વ બેંકની સૂચનાનો ભંગ કરતાં ઇ-ધરા ઓપરેટર્સ અંગે ઇ-ધરા ના અધિકારીને ફરિયાદ કરતાં તેમણે ઓપરેટર્સનો ખુલ્લો બચાવ કરતાં જણાવ્યુ હતું કે, અમે જો રૂ.૧૦નાં સિક્કાનો સ્વીકાર કરીએ તો સામે પ્રજાજનોને છૂટા પૈસા આપતી વખતે રૂ.૧૦નાં સિક્કા લેવામાં આવતા નથી. આથી સિક્કા નહીં સ્વીકારવાતા હોવાનું જ્ણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રીઝર્વ બેંકનાં નિયમો મુજબ જો રૂ.૧૦નાં ચલણી સિક્કા સ્વીકારવાનો કોઈ ઇનકાર કરે તો નિયમ ભંગ બદલ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. પરંતુ અહીં તો કાનૂનનાં રખેવાળ જ નિયમોના ભંગ કરતાં હોય છે. આમ પ્રજાજનોને ફરિયાદ કરવા ક્યાં જવું ?તે સવાલ સતાવે છે.
જો કે મોરબી ઇ-ધરા કેન્દ્રનાં ખાનગી ઓપરેટર્સ અને ઇ-ધરા અધિકારીએ રીઝર્વ બેંકનાં નિયમોનો ઉલાળીયો કરતાં વર્તન અંગે જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી છે. આ સંજોગોમાં જિલ્લા કલેક્ટરશ્રી હવે કેવા પગલાં ભારે છે તે જોવું રહ્યું.

- text

- text