મોરબી : કુતરા કરડવાના એક દિવસમાં દસ અને ૯૦ દિવસમાં ૧૧૪૧ કિસ્સા

- text


મોરબી : મોરબીમાં કુતરાઓનાં આતંકથી શહેરીજનો ભારે પરેશાન અને બાળકો ભયભીત છે. ગઈકાલનાં રોજ કુતરા કરડવાના એક દિવસમાં દસ બનાવો અને છેલ્લા ૯૦ દિવસમાં ૧૧૪૧ કુતરા કરડવાના કિસ્સા સામે આવતા લોકોમાં ભયનું લખલખું પસાર થઈ ફફડાટ વ્યાપી ગયો છે. આમ છતા તંત્રનાં કોઈ અધિકારી કે સગાસંબંધીને કુતરા કરડયાની ઘટના ન બનતા અધિકારીઓ હાથ પર હાથ રાખી બેઠા છે.

- text

મોરબીનાં સામા કાંઠા વિસ્તારમાં એક દિવસમાં દસ કુતરા કરડવાના બનાવ બન્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ સામા કાંઠે આવેલી સરસ્વતી સોસાયટી તથા તેની પાછળ આવેલી હરિ પાર્ક સોસાયટીમાં રવિવારનાં રોજ કેટલાંક બાળકો રમતા હતા એ સમયે હડકાયા કુતરાએ દસ બાળકોને કરડીને ભયનું વાતાવરણ ઉભું કરી દીધું હતું. જેમાંના એક બાળકને ઘરમાંથી ઢસડીને એક કુતરાએ બહાર લઈ આવી બચકું ભરતા ગંભીર ઈજા તથા ટાંકા લેવા પડ્યા હતા. કુતરાઓનાં આંતકનો શિકાર બનતા ધ્યેય સંઘાણી ઉ.વર્ષ ૪ શ્રેય ભોરણીયા ઉ.વર્ષ ૮, રોશનકુમાર ઉ.વર્ષ ૫, બંસીબેન ઉ.વર્ષ ૧૨ સહિત દસ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. શ્વાનનાં અતિ ત્રાસ અને આતંક હોવાથી તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા જરૂરી તપાસમાં જાણવા મળ્યું હતું તંત્ર પાસે હડકાયા કુતરાઓને કાબુમાં લેવા માટે સાધનોનો અભાવ છે. પાલિકા પાસે કુતરાઓ પકડી શકાય તેવા સાધનોનો અભાવ હોય આ દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
છેલ્લાં ૯૦ દિવસમાં ૧૧૪૧ કુતરા કરડવાના સત્તાવાર કિસ્સા નોંધાયા છે. જેમાં માર્ચ મહિનામાં ૪૨૦, એપ્રિલ મહિનામાં ૩૭૧ અને ૨૮ મે સુધીમાં ૩૫૦ લોકો હડકાયા કુતરાનો ભોગ બન્યા છે.

 

- text