ખાખરેચી : શિવલિંગ પાસે નાગે કાચલી ઉતારવાની ઘટનાથી ભાવિકોમાં કુતુહલ

સદીઓથી શિવજીનાં મંદિરનું રક્ષણ કરતો નાગ બધી જ અફવા ખોટી પાડી શ્રદ્ધાળુઓને આપી રહ્યો છે ચમત્કારિત અસ્તિત્વનાં એંધાણ

મોરબી જિલ્લામાં આવેલા માળીયા મીયાણા તાલુકાનાં ખાખરેચી ગામે આવેલા ૭૦૦થી વધુ વર્ષ જૂના પૌરાણીક મહત્વ અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર જડેશ્વર મહાદેવ મંદીરમાં મહાદેવનાં માનવામાં આવતા સાત ફુટના શેષનાગએ શિવલિંગ પાસે જ કાચલી ઉતારવાની ઘટનાથી કૌતુહલ સર્જાયુ છે. આ અંગે મંદિરના પૂજારી તુષારભાઈએ જણાવ્યું હતું કે એક મહિના પેહલા મંદિરમાં શિવલિંગ પાસે સાત ફુટના શેષનાગએ કાચલી ઉતારી હતી. જે ઘટના હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા છેલ્લા બે દિવસથી ભાવિકો નાગની કાચલીના દર્શન કરવા ઉમટી પડ્યા છે. જયારે કહેવાય છે કે, આ નાગ જ્યારથી શિવજીનું મંદીર છે ત્યારથી શીવલીંગની રક્ષાર્થે અહીં નિવાસ કરે છે. બહુ ઓછા લોકોને આ નાગનાં દર્શન કરવાનો લાભ મળ્યો હોવાથી નાગનાં અસ્તિત્વની વાત વાહિયાત મનાતી હતી પરંતુ નાગએ કાચલી ઉતારીને પોતાના અસ્તિત્વનો પુરાવો આપતા સૌ ભાવિકોમાં નાગદર્શનનો કુતુહલભાવ જગાવી દિધો છે.⁠⁠⁠⁠