વાંકાનેર : બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા વ્હોરા વેપારીનું મૃત્યુ

દુકાન બંધ કરી રાત્રે ઘરે આવતાને કાળ ભેટ્યો : ૩ સંતાનોએ પિતાનો આશરો ગુમાવતા વાંકાનેર વ્હોરા સમાજ શોકમગ્ન

વાંકાનેર : તીથવા-પીપળીયારાજ વચ્ચેના રસ્તા પર ઉભેલા ડમ્પર ટ્રક પાછળ બાઇક ઘુસી જતા વ્હોરા પોઢનું મૃત્યુ થયુ હતુ. વાંકાનેરનાં વોરાવાડ શેરી નં.૨ માં રહેતા હાતીમભાઇ ઇબ્રાહીમભાઇ હાથી (ઉ.વ.૫૪) વાલાસણ ગામે રસ્તા અનાજની દુકાન ધરાવે છે. રોજની જેમ સવારે વાંકાનેરથી વાલાસણ ગયા બાદ રાત્રીના આઠે વાગ્યે પોતાના બાઇક ઉપર વાલાસણથી વાંકાનેર પરત આવી રહ્યા હતા ત્યારે તીથવા-પીપળીયારાજ વચ્ચેના માર્ગ ઉપર બંધ હાલતમાં ઉભેલા ડમ્પર ટ્રકમાં હાતીમભાઇ હાથીનું બાઇક પાછળના ભાગે ધડાકા ભેર ઘુસી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. લોહીલુહાણ હાલતમાં હાતીમભાઇ હાથીને સારવાર માટે વાંકાનેર હોસ્પીટલે લાવી સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયુ હોવાનું ડોકટરે જાહેર કરેલ હતુ.
હાતીમભાઇને સંતાનમાં બે મોટી દીકરીઓ અને એક પુત્ર છે જેણે પિતાનો આશરો ગુમાવતા સમસ્ત પરિવાર સાથે વાંકાનેર વ્હોરા સમાજના અગ્રણીઓ સગા-સ્નેહીઓમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે.