જમીની સંપર્ક ધરાવતા સ્વચ્છ પ્રતિભાવાન ઉમેદવાર પસંદ કરાશે : કોંગ્રેસ રાષ્ટ્રીય મંત્રી રાજીવ સાતવે

મોરબી જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક સફળતાપૂર્વક સંપન્ન

મોરબી : જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી રાજીવ સાતવેની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક મળી હતી. જેમાં જમીની સંપર્ક ધરાવતા સ્વચ્છ અને પ્રતિભાવાન ઉમેદવાર પસંદ કરાશે તેવો સંદેશ કોંગ્રેસનાં રાષ્ટ્રીય મંત્રી રાજીવ સાતવે આપ્યો હતો.
આ કારોબારી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા, જિ.પ્ર. પ્રમુખ સોનલબેન જાકાસણીયા, જયંતિભાઈ પટેલ, લલિતભાઈ કાથગરા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં પક્ષની સભ્ય નોંધણી, ખેડૂત પાકવિમો, મોરબી-જેતપર, મોરબી-હળવદ બિસ્માર રોડ, નવલખી ફાટક ટ્રાફિક સમસ્યા, મચ્છુ સિંચાઈનો પ્રશ્ન, નર્મદા પાણીની માંગ, માલધારીઓને રાહતદરે ઘાસચારા વિતરણ જેવા અનેક મુદ્દા વિષયક ઠરાવો થયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ સંગઠનની કામગીરી દર્શાવી હતી તો પ્રદેશ મહામંત્રી ડો.હેમાંગભાઈ વસાવડાએ મોરબી જિલ્લા કોંગ્રેસની કામગીરીને ધ્યાને લઈ સંગઠન હજુ વધુ મજબૂત બને તે અંગેના સૂચનો આપ્યા હતા.