બજાઓ ઢોલ સ્વાગત મેં, મેરે ઘર રામ આયે હૈં : આજે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનો પ્રાગટ્ય દિવસ

રામનવમી એવા પુત્રની યાદ અપાવે છે કે જેણે પિતા, માતા, ગુરુ, પત્નિ, ભાઈભાડું, કુટુંબ અને સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવામાં જીવન વ્‍યતીત કર્યુ

મોરબી : ચૈત્ર સુદ નવમીના રોજ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શ્રીરામ રૂપે પ્રગટ થયું એટલે આ પરમ પવિત્ર દિવસ ‘રામ નવમી’ તરીકે ઓળખાય છે. શ્રીરામચંદ્રજી દશાનન રાવણનો સંહાર કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે અસુરોનો ધ્વંસ કરવા માટે અને સંત મહાત્માઓના રક્ષણાર્થે આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ પામ્યા છે. હિંદુ ધાર્મિક કેલેન્ડર મુજબ ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનામાં નવરાત્રની નવમીના દિવસે થયો હતો. ભગવાન રામનો જન્મદિવસ હોવાથી, ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ હિંદુ ધર્મમાં રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે રામનવમી આજે એટલે કે 17 એપ્રિલ બુધવારના રોજ છે.

હિન્દુ ધર્મ માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે. ત્રેતાયુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધી ગયો હતો. અસુરો ઋષિઓના યજ્ઞનો નાશ કરતા હતા. ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની આસુરી શક્તિઓનો નાશ કરવા માટે શ્રી રામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો. ભગવાન શ્રીરામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને એક આદર્શ વીર પુરૂષના રૂપમાં ખુદને સ્થાપિત કર્યા. અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રી રામે ધર્મનો ત્યાગ કર્યો ન હતો અને અધર્મને માફ કર્યો ન હતો. આ તમામ ગુણોને લીધે તેમને ઉત્તમ પુરુષનુ નામ મળ્યું અને તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા.

હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે રામ નવમીનું ઘણું મહત્વ છે. રામ નવમી પર, લોકો હિન્દુ વિશેષ વ્રત કરે છે.  લોકો સ્થાનિક મંદિરોમાં ભેગા થાય છે અને રાત્રે ભજન-કીર્તનનું આયોજન કરે છે. જેમાં ભગવાન શ્રી રામના મહિમાની સ્તુતિની સાથે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભગવાન રામની સાથે માતા સીતા અને નાના ભાઈ લક્ષ્મણની પણ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ અંતિમ ક્ષણે રામનું નામ લે છે તેને મોક્ષ મળે છે.

આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્‍તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્‍યતિત કર્યુ.

સનાતન ધર્મમાં ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમનું બિરુદ આપવામાં આવ્યું છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મના લોકો માટે રામ નવમીનો તહેવાર ખૂબ જ ખાસ છે. જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્‍મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તરથી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે.