મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ ગામ મૂક્યું, પતાવી દેવા ધમકી

- text


કોયલી ગામના માથાભારે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર ગૌતમ સોસાયટીમાં રહેતા વેપારીને ધંધામાં જરૂરત પડતા કોયલી ગામના વ્યાજના ધંધાર્થી પાસેથી બે વખત ઉંચા વ્યાજે રૂપિયા 8 લાખ લીધા બાદ નિયમિત વ્યાજ ચુકવી ન શકતા માથાભારે વ્યાજખોરે કોરા ચેક પડાવી લઈ ધમકી આપતા વેપારીએ મોરબી છોડી નાસિક નોકરી કરવા જતાં રહેતા પાછળથી વ્યાજખોર શખ્સે વેપારીના ઘેર જઈ જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ગૌતમ સોસાયટીમાં રહેતા મૂળ મોરબી તાલુકાના ખરેડા ગામના વતની રમેશભાઈ તળશીભાઇ ડઢાણીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કોયલી ગામના મુકેશ ડાંગર નામના વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2023માં તેઓ લજાઈ નજીક કારખાનું ભાડે રાખી પ્લાસ્ટિક બેગનો ધંધો કરતા હતા ત્યારે નાણાકીય જરૂરત ઉભી થતા વ્યાજખોર મુકેશ પાસેથી પહેલા રૂપિયા 5 લાખ દરરોજના 700 રૂપિયા વ્યાજ લેખે લીધા હતા અને બાદમાં વધુ જરૂરત પડતા ત્રણ લાખ દરરોજના રૂપિયા 700 લેખે વ્યાજે લઈ દર દસ દિવસે નિયમિત વ્યાજ ચૂકવતા હતા.

- text

જો કે બાદમાં રેગ્યુલર વ્યાજ ન આપી શકતા તમામ રકમ ચૂકવી આપવા જણાવવા છતાં કોયલી ગામના વ્યાજખોર મુકેશ ડાંગરે અલગ અલગ બેંકના કોરા ચેક પડાવી લઈ બમણી રકમ ભરી ચેક રિટર્ન કરવા ધમકી આપી હતી. બીજી તરફ વ્યાજખોરની ધમકીથી ડરી ફરિયાદી રમેશભાઈ નાસિક સીરામીકની દુકાનમાં નોકરી કરવા જતાં રહેતા પાછળથી વ્યાજખોર મુકેશે રમેશભાઈના ઘેર જઇ જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે અંતે વેપારીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મુકેશ ડાંગર વિરુદ્ધ નાણાં ધીરધારની કલમો તેમજ આઇપીસી એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text