સ્ટેમ્પ થકી “મતદાન અવશ્ય કરીએ”નો સંદેશ આપતી ટંકારા મામલતદાર કચેરી

- text


ટંકારા મામલતદાર કચેરી ખાતે ૭/૧૨ અને ૮ ના દાખલા તથા નામ કમી સહિતના કાગળ ઉપરના મતદાન જાગૃતિના સ્ટેમ્પ લગાવી જાગૃતિ લાવવાનો નવતર અને અનોખો પ્રયાસ

ટંકારા : લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી – ૨૦૨૪નો સૌથી મોટો અવસર આવી રહ્યો છે. આગામી તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાનને લઈ લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રના દિશા-નિર્દેશ મુજબ મતદાન જાગૃતિ લાવવાનો નવતર અને અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટંકારા મામલતદાર કચેરી ખાતે “તા.૦૭ મેના રોજ અચૂક મતદાન કરે, “ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ”, “અવસર લોકશાહીનો” તથા “મતદાન જરૂર કરીએ” નો સંદેશ પાઠવતા સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે.

- text

૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારના મામલતદાર કચેરી એ.ટી.વી.ટી.સેન્ટર, ડીસ્પેચ શાખા મારફત રવાના થતી તમામ ટપાલો તથા પત્રો, જમીન ઉતારા જેવા લોકોને આપવામાં આવતા પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ વગેરે દસ્તાવેજોમાં અન્ય જરૂરી સ્ટેમ્પી સાથે મતદાન જાગૃતિ માટેનો સ્ટેમ્પ પણ લગાવવામાં આવી રહ્યો છે. લોકો સુધી રૂબરૂ પહોંચતા આ વિવિધ કાગળો પર લગાવેલા સ્ટેમ્પ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી મતદાન જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવાનો આ પ્રયાસ ખુબ જ સરાહનીય છે.

- text