શાસક, વિપક્ષ વગર જ મોરબી નગરપાલિકાનું રૂપિયા 186 કરોડનું બજેટ મંજુર

- text


નગરપાલિકા પાસે કમાણીનું કોઈ સાધન ન હોય વિકાસ કામો અને પગાર માટે સરકારની ગ્રાન્ટ ઉપર દારોમદાર

મોરબી : ઝૂલતાપૂલ દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકા સુપરસીડ થતા હાલમાં ધણીધોરી વગરની નગરપાલિકા વહીવટદાર અને ચીફ ઓફિસરના હવાલે ચાલી રહી છે, વહીવટદાર રાજમાં વિકાસકામોને બ્રેક જેવી સ્થિતિ વચ્ચે ગત અઠવાડિયે મોરબી નગરપાલિકાનું વર્ષ 2024-25નું બજેટ ચુપચાપ મંજુર કરી દેવાયું છે, રૂપિયા 186 કરોડના બજેટમાં પાલિકા પાસે કમાણીનું કોઈ સાધન ન હોય વિકાસ કામો અને પગાર સહિતના રૂટિન ખર્ચ માટે સરકારની ગ્રાન્ટ ઉપર જ દારોમદાર રાખવામાં આવ્યો છે.

સામાન્યતઃ સ્થાનિક સ્વરાજ્યની કોઈપણ કચેરી વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી શાસકો પાસે બજેટ મંજુર કરાવતી હોય છે પરંતુ ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં હાલમાં શાસક કે વિપક્ષનું અસ્તિત્વ જ ન હોય વહીવટીતંત્ર દ્વારા ગુપચુપ રીતે વર્ષ 2024-25નું બજેટ તૈયાર કરી મંજુર કરી લીધું છે, મોરબી પાલિકાના વર્ષ 2024-25ના બજેટમાં મ્યુની રેઈટસ એન્ડ ટેકસીઝમાંથી રૂપિયા 1737 લાખ, સ્થાવર મિલ્કતની આવક પેટે રૂપિયા 883 લાખ, પરચુરણ આવક પેટે 1875 લાખ અને નામદાર સરકાર તરફથી સહાય રૂપે 13867લાખની આવક અંદાજવામાં આવી છે.

- text

બીજી તરફ સામાન્ય વહિવટમાં રૂપિયા 131 લાખ, કરવસૂલાત 50 લાખ, બીજા કર પેટે 91 લાખ, વળતર પેટે 100 લાખ, પ્રો.ફંડ, ગ્રેચ્યુટી, અને પેન્શન માટે 745 લાખ, પબ્લીક સેફટી (ફાયર સ્ટેશન) માટે 167 લાખ, રોશની શાખા માટે 235 લાખ, જાહેર તંદુરસ્તી.(પાણી પુરવઠો) માટે 835 લાખ, કન્ઝર્વન્શી માટે 1045 લાખ, મેલેરિયા માટે 53 લાખ, બાગ બગીચા માટે 97 લાખ, જાહેર બાંધકામ માટે 1200 લાખ, ભૂગર્ભ ગટર માટે 390 લાખ,વાંચનાલય માટે 6 લાખ, બાલિમંદિર માટે 13 લાખ, યુ.બી.એસ. માટે 1.50 લાખ અને પરચુરણ માટે 603ની જોગવાઈ સાથે ગાન્ટ અન્વયે ખર્ચ માટે 12556 લાખ અને અસાધારણ ખર્ચ માટે 319 મળી 18642 ખર્ચ અંદાજી રૂપિયા 4.50 લાખની સિલક રાખવામાં આવી છે.

- text