મોરબી જિલ્લામાં ઉનાળુ તલનું ધૂમ વાવેતર

- text


મગફળી, મગને બદલે તલ તરફ વળતા ખેડૂતો, સૌથી વધુ 13160 હેક્ટરમાં તલનું વાવેતર : જિલ્લામાં 18,212 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું

મોરબી : મોરબી જિલ્લામાં આ વર્ષે ઉનાળુ વાવેતર ઠંડીના કારણે થોડું મોડું શરૂ થયું છે. હજુ ઘણા ખેતરોમાં શિયાળુ પાક ઉભો હોવાથી ઉનાળુ વાવેતર પુરે પૂરું થઈ શક્યું નથી. આમ પણ રવિ સિઝન અને ખરીફ વાવેતર સામે ઉનાળુ વાવેતર ખૂબ ઓછું થતું હોય છે.પણ હજુ સિઝન બાકી હોય રવિ પાક ઉપડી ગયા બાદ બાકીનું સરેરાશ વાવેતર થઈ જવાની શક્યતા છે.સામાન્ય રીતે ઉનાળુ સીઝનમાં ખેડૂતો મગફળી, મગ સહિતના પાક લેતા હોય છે પણ આ વર્ષે તલનું વિક્રમી વાવેતર થયું છે.

મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં 18212 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયુ છે. જેમાંથી 13160 હેકટરમાં તલ, 662 હેકટરમાં બાજરી, 370 હેકટરમાં મગફળી, 305 હેકટરમાં શાકભાજી, 3480 હેકટરમાં ઘાસચારા 120 હેકટરમાં ગુવાર ગમનું વાવેતર થયું છે, સામાન્ય રીતે માર્ચ મહિનામાં ઉનાળુ વાવેતર પૂરું થઈ જતું હોય છે પરંતુ આ વર્ષે હજુ ઉનાળુ વાવેતર પોણા ભાગનું જ થયું છે અને હજુ પણ આગામી 15 દિવસ સુધીમાં ઉનાળુ વાવેતર મોટાપ્રમાણમાં થવાની શક્યતા વચ્ચે કુલ 25 હજાર હેક્ટરમાં વાવેતર થવાની શક્યતા જોવાઈ રહી છે.

- text

જિલ્લામાં સૌથી વધુ ઉનાળુ વાવેતર હળવદ તાલુકામાં થયું છે. હળવદ તાલુકામાં 13795 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે અને સૌથી ઓછું વાવેતર માળીયા તાલુકાનું 40 હેકટરમાં જ થયું છે. ટંકારા તાલુકામાં 850 હેકટરમાં, મોરબી તાલુકામાં 1110 હેકટરમાં અને વાંકાનેર તાલુકાનું 2417 હેકટરમાં ઉનાળુ વાવેતર થયું છે. હજુ શિયાળુ પાકના વાવેતર ઉભું હોય ઉતારા થઈ ગયા બાદ આ બાકીનું ઉનાળુ વાવેતર થઈ જશે. ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ હજુ 15 દિવસ સુધી વાવેતર થશે અને 5 થી 6 હજાર હેકટર વાવેતર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

 

- text