માતૃભાષા દિવસની અનોખી ઉજવણી : શિક્ષિકાએ કક્કો જુદા જુદા 7 રાગમાં રજૂ કર્યો

- text


ટંકારાના ભૂત કોટડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો અનોખો માતૃભાષા પ્રેમ : ગુજરાતી ભાષાનો કક્કો જુદા જુદા 7 રાગમાં રજૂ કરી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપ્યું

 

 

મોરબી : આજે 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ.. માતૃભાષા દિવસની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ભૂત કોટડા પ્રાથમિક શાળામાં માતૃભાષા પ્રેમી શિક્ષિકા દ્વારા ધાર્મિક પુસ્તકો સાથે ગુજરાતી ભાષાના પુસ્તકોનું બાળકો પાસે પૂજન કરાવી અલગ અલગ સાત રાગમાં કક્કો રજૂ કરી બાળકોને સરળ રીતે ગમ્મત સાથે જ્ઞાન આપવાનો પ્રયોગ કર્યો હતો.

ટંકારા તાલુકાના ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા શિક્ષણમાં અવનવા પ્રયોગો કરી બાળકોને શિક્ષણ આપવામાં કુશળ છે, આજે વિશ્વ માતૃભાષા દિવસે અનોખો માતૃભાષા પ્રેમ રજૂ કરી તેઓએ ગુજરાતી ભાષાનો મૂળ કક્કો અલગ અલગ 7 રાગમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યો હતો. સાથે જ માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત સૌપ્રથમ આપણા વેદો અને રામાયણ ગ્રંથની સાથે ગુજરાતી પુસ્તકની બાળકો દ્વારા પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતી ભાષાનો મૂળ કક્કો જુદા જુદા 7 રાગમાં અત્રેના શિક્ષિકા સાંચલા ગીતાબેન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભજન, ઘુન, લગ્નગીત, લોકગીત, ચોપાઈ, દુહા, છંદ વગેરે અલગ અલગ રાગ અને ઢાળમાં ગવડાવવામાં આવ્યો હતો. બાળકો પણ ખૂબ આનંદ સાથે આ રીતે કક્કો શીખ્યા હતા. ઉપરાંત ક થી જ્ઞ સુધી મૂળાક્ષર બાળકોએ અલગ અંદાજમાં રજુ કર્યા હતા અને ગુજરાતી હોવાનો ગર્વ અનુભવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન હર વખતે કંઈક નવું કરવાની નેમ રાખતા શિક્ષિકા સાંચલા ગીતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text