મોરબીમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાશે વિશ્વકર્મા જયંતી મહોત્સવ

- text


ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શોભાયાત્રા, રક્તદાન કેમ્પ, મહાપ્રસાદ સહિતના આયોજનો : મહોત્સવ પૂર્વે દાતાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ

મોરબી : મોરબીમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આજે તારીખ 21 અને 22 ફેબ્રુઆરીએ વિશ્વકર્મા જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વકર્મા જયંતી મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા, રક્તદાન કેમ્પ, મહાપ્રસાદ, સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે તારીખ 21 ફેબ્રુઆરી ને બુધવારના રોજ રાત્રે 8-30 કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિ- મોરબી દ્વારા વિશ્વકર્મા જયંતીની પૂર્વ સંધ્યાએ મોરબીના ગુર્જર સુતાર જ્ઞાતિ વાડીના યુનિટ-1માં દાતાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ તથા રમત-ગમત સ્પર્ધાના વિજેતાઓનું સન્માન અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે.

આવતીકાલે તારીખ 22 ફેબ્રુઆરીના રોજ વિશ્વકર્મા જયંતીના દિવસે મોરબીના ભવાની ચોકના ઘંટીયા પામાં આવેલા વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે સવારે 6 કલાકે મંગળા આરતી યોજાશે. ત્યારબાદ સવારે 7 કલાકે પ્રભાત આરતી થશે અને સવારે 10-30 કલાકે ધ્વજારોહણ કરવામાં આવશે. બપોરે 12 કલાકે શ્રીંગાર દર્શન આરતી યોજાશે. બપોરે 2 કલાકે સરદારબાગથી વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા શરૂ થશે. આ ઉપરાંત સાંજે 6-30 કલાકે સંધ્યા આરતી થશે. કાર્યક્રમમાં આવનાર દરેક લોકો માટે સાંજે 7 કલાકે શક્ત શનાળાની પટેલ સમાજવાડીમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

વિશ્વકર્મા જયંતી નિમિત્તે 22 ફેબ્રુઆરી ને ગુરુવારના રોજ વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ- મોરબી અને વિશ્વકર્મા સેવા સેતુ ગ્રુપ- મોરબી દ્વારા 12મી રક્તદાન શિબિર પણ યોજાશે. સાંજે 5-30 કલાકે મોરબાના શક્ત શનાળા ખાતે આવેલી પટેલ સમાજ વાડી ખાતે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન શિબિરના સ્પોન્સર જશ્મિનભાઈ ભાલારા (સ્વ. નિર્મળાબેન ગોપાલભાઈ ભાલારાના સ્મરણાર્થે) રહેશે અને સંસ્કાર બ્લડ બેંકનો સહયોગ મળશે. રક્તદાન કરનાર રક્તદાતાઓને સ્પોન્સર તરફથી આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પધારવા ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબી અને ગુર્જર સુતાર વિદ્યાર્થી ભવન- મોરબીના ટ્રસ્ટીઓ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

- text