Morbi: અંતે એ ઘડી આવી ગઇ! જિલ્લામાં 8.30 લાખ મતદારો કાલે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે 

- text


Morbi: મોરબી સહિત ગુજરાતભરમાં આવતીકાલે તારીખ 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે મતદાન પ્રક્રિયાને લઈને મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. મતદાન અંગે આજે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી પંચ દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી હતી.

આવતીકાલે તારીખ 7 મે ને મંગળવારના રોજ મોરબી જિલ્લામાં સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. મતદારો ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ સહિત વિવિધ 12 પુરાવાઓ સાથે મતદાન કરી શકશે. મતદાનના દિવસે જો કોઈને સવેતન રજા ન મળે તો 1950 અથવા 02822-243410 નંબર પર ફરિયાદ કરી શકશે. મતદાન મથકે મોબાઈલ લઈ જઈ શકાશે નહીં.

મોરબી જિલ્લામાં કૂલ 8,30,701 મતદારો છે. જેમાંથી 4,29,073 પુરુષ મતદારો અને 4,01,618 મહિલા મતદારો છે. 65-મોરબી વિધાનસભા વિસ્તારમાં કૂલ 295 મતદાન મથકો, 66-ટંકારા વિધાનસભા વિસ્તારમાં કૂલ 291 મતદાન મથકો અને 67-વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં કૂલ 303 એમ જિલ્લામાં કૂલ 889 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જિલ્લામાં 558 મતદાન મથકો પર દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર અને સ્વયંસેવકની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. મતદાન માટે જિલ્લામાં 103 રૂટ નક્કી કરાયા છે. 113 ઝોનલ ઓફિસરની નિમણૂક કરાઈ છે. 83 ક્રિટીકલ લોકેશન છે જ્યારે 114 પોલિંગ સ્ટેશન છે. જિલ્લામાં દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ 7 એમ કૂલ 21 મહિલા સંચાલિત મતદાન મથક છે. 2 પીડબલ્યુડી સંચાલિત મતદાન મથક, 3 મોડલ મતદાન મથક અને 1 યુવા સંચાલિત મતદાન મથક છે.

દરેક મતદાન મથક પર ચૂંટણી તંત્ર દ્વારા તાલીમબદ્ધ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થા માટે પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના તમામ બુથ પર કૂલ 3557 લોકો ફરજ બજાવશે. આ ઉપરાંત 466 રિઝર્વ સ્ટાફ રાખવામાં આવ્યો છે. 2400 જેટલા સુરક્ષા કર્મીઓ જિલ્લાભરમાં ફરજ પર રહી કાયદો-વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થશે. CRPFની 65 હાફ સેક્શન હથિયારી બુથ પર સુરક્ષામાં તહેનાત રહેશે. જિલ્લાભરમાં કૂલ 83 માઈક્રો ઓબ્ઝર્વર બુથના સ્થળ પર હાજર રહેશે.

85 વર્ષથી વધુ વયનાં નાગરિકો તેમજ પીડબલ્યુડી મતદારો માટે બેલેટ થકી ઘરે બેઠા મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જે અંતર્ગત જિલ્લામાં 534 વરિષ્ઠ નાગરિક તેમજ 131 પીડબલ્યુડી મતદારોએ ઘરેથી મતદાન કર્યું છે. જ્યારે 43 જેટલા એસેન્સીયલ સર્વિસિસ હેઠળના મતદારો દ્વારા મતદાન કરાયું છે. 5500 જેટલા સરકારી અધિકારી/કર્મચારી કે જેઓ ચૂંટણી ફરજ પર હોય તેમણે બેલેટ પેપરથી મતદાન કર્યું છે.

ડિસ્પેચીંગ-રીસીવિંગ સેન્ટરની વાત કરીએ તો મોરબી વિધાનસભા મત વિસ્તારનું ડિસ્પેચીંગ-રીસીવિંગ સેન્ટર ઘુંટુ રોડ પર આવેલી ગવર્નમેન્ટ પોલિટેક્નિક કોલેજ છે. જ્યારે ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં ટંકારાની મામલતદાર કચેરી પાછળ આવેલી ઓરપેટ કન્યા વિદ્યાલય અને વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં વાંકાનેર તાલુકા પંચાયતની બાજુમાં આવેલ અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યું છે. મતદાન મથક પરના સ્ટાફ માટે પણ જમવાની, રહેવાની, નાસ્તાની, પાણીની, મેડિકલ કીટ સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે.જિલ્લામાં કૂલ 3366 VVPAT યુનિટ ફાળવાયા છે. જેમાંથી 2667 મતદાન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાયા છે જ્યારે 699 રિઝર્વ રાખવામાં આવ્યા છે.

- text

હાલ ઉનાળામાં હીટવેવને ધ્યાને રાખીને ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં જિલ્લાભરમાં કૂલ 239 સ્થળો પર મતદાન મથક બહાર મંડપ નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ, ORS સહિતની દવાઓની મેડિકલ કીટ સાથે આશા વર્કરની વ્યવસ્થા કરાઈ છે. વૃદ્ધ, સગર્ભા તથા દિવ્યાંગ મતદારોને મતદાનમાં પ્રાથમિકતા અપાશે. સાથે જ મતદાન મથકો પર પીવાનું ઠંડુ શુદ્ધ પાણી, છાયડો અને રેસ્ટરૂમની વ્યવસ્થા કરાઈ છે. સગર્ભા મહિલાઓને મતદાન મથકે પહોંચવા માટે જરૂરિયાત પ્રમાણે ખિલખિલાટ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રીની કૂલ 32 એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. સાથે જ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને વધુ ને વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

- text