મોરબીના એસપી રોડ ઉપર પ્રભુ શ્રીરામની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી

- text


મોરબી : અયોધ્યામાં આજે પ્રભુ શ્રી રામની નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. ત્યારે આ ઉજવણીને લઈને દેશભરમાં પ્રભુ શ્રીરામને આવકારવા વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીના એસપી રોડની રામકાજ સમિતિ દ્વારા આજે મોરબીના એસપી રોડ ઉપર ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં વિવિધ આકર્ષણો પણ ઊભા કરવામાં આવ્યા હતા.

આજે 22 જાન્યુઆરીએ એસપી રોડની રામકાજ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં શ્રીરામ, લક્ષ્મણ, જાનકી માતા અને હનુમાનજી અદભુત વેશભૂષા સાથે લાઈવ ઘોડાના રથ સાથે શોભાયાત્રામાં દર્શન આપ્યા.

સાથે પ્રભુ શ્રીરામને પ્રિય એવી વાનર સેનાના 40 બાળકો વેશભૂષા સાથે જોડાયા હતા તેમજ નાસિક મહારાષ્ટ્રનું પ્રખ્યાત બેન્ડ 51 કલાકારો સાથે શોભાયાત્રામાં જોડાયું હતું.

આ શોભાયાત્રાની આગળ ઇન્સ્ટન્ટ રંગોળી કલાકાર મોટી રંગોળીઓ દોરી અને ભગવાન શ્રીરામ દરબારનું સ્વાગત કર્યું હતું. એસપી રોડની યુવા ટીમ કેસરી ઝભ્ભાની થીમ સાથે અને સાફા બાંધીને જોડાઈ છે, એસપી રોડ પરના અલગ અલગ 12 જગ્યાએ ભગવાનની શોભાયાત્રાનું ફૂલોથી સ્વાગત કરાયું હતું.

આ ઉપરાંત બીજો એક ભગવાનનો રથ વિન્ટેજ કારમાં શ્રી રામના કટ આઉટ સાથેનો શોભાયાત્રામાં જોડાયો હતો. શોભાયાત્રા દરમિયાન વચ્ચે શ્રીરામ ભક્તોનું ગરમ દૂધની પ્રસાદીથી સ્વાગત થયું અને સાથે પાણીની વ્યવસ્થા રુટ દરમિયાન સતત સાથે રહી હતી. ઉપરાંત દિવાળીની જેમ ફટાકડા ફોડી શોભાયાત્રામાં ઉજવણી કરવામાં આવી હતી તેમજ ભગવાન શ્રીરામ શબરીની ઝુપડીએ ગયા જે ખાસ જોવાલાયક હતું. ત્યાં માતંગ ઋષિની હવામાં સમાધિ અને ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીના સ્ટેચ્યૂ અને કૃત્રિમ વરસાદ આ બધું આકર્ષકનું કેન્દ્ર બન્યું.

શોભાયાત્રામાં ભગવાન શ્રીરામની અયોધ્યા ધામમાં પધરામણી વખતે એક ક્લાસિકલ અભિનય ગીતથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં છાત્રાલયની દીકરીઓ દ્વારા બેસ્ટ ગીત સાથે રામરાસ નાટિકા રજૂ કરી એસપી રોડના સૌ રામ ભક્તો દ્વારા મહાઆરતી કરી એસ.પી રોડના સૌ રામ ભક્તો પરિવાર સહ પ્રસાદ અને સમૂહ મહા પ્રસાદ ગ્રહણ કરવા આયોજન કર્યું છે. એસપી રોડના યુવાનો દ્વારા ભગવા રેલી અયોધ્યા ધામથી શરૂ કરી હતી અને રાત્રે 8:30 થી એસ .પી રોડનું આકાશ મહાદિવાળી પર્વની ઉજવણી પ્રકાશ અને અવાજથી ગુંજી ઉઠશે.

- text

- text