છેટા રેજો….. એસટી ડ્રાઇવરે થર્ટી ફર્સ્ટ મનાવી’ને બસ હાંકી મૂકી, લોકોએ અટકાવી

- text


હળવદના સિરોઈ નજીક છોટા ઉદેપુર – મોરબી રૂટની બસનો ડ્રાઈવરે ડમડમ હાલતમાં બસને નાગણી કરતા પોલીસનો મહેમાન બન્યો 

મોરબી : છોટા ઉદેપુરથી મોરબી આવતી એસટી બસના ડ્રાઇવરે ગઈકાલે થર્ટી ફર્સ્ટ મનાવી શરાબની મોજ કરી ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ઉપરાછાપરી બમ્પ ઠેકાડી જેમ ફાવે તેમ કાવા મારી બસને રોડની નીચે ઉતારી ખેલ ચાલુ કરતા હળવદના સિરોઈ નજીક મુસાફરોએ અને જનતાએ ભાન ભૂલેલા બસ ચાલકને નીચે ઉતારી નશો ઉતાર્યો હતો સાથે જ બસના કંડકટરે હળવદ પોલીસ મથકમાં બસ ચાલક વિરુદ્ધ માનવજિંદગી જોખમમાં મુકવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સવારે સાડા નવ વાગ્યે જીજે-18-ઝેડ-3921 નંબરની એસટી બસ રાબેતા મુજબ છોટાઉદેપુરથી રવાના થઇ હતી અને બારીયા, ગોધરા, અમદાવાદ ધ્રાંગધ્રા સુધી વ્યવસ્થિત ચાલી હતી બાદમાં હળવદ આવ્યા બાદ બસના ચાલકે સુરાપાન કરી થર્ટી ફર્સ્ટની છાનાખૂણે ઉજવણી કરી લેતા હળવદથી માનસર પહોંચતા જ બસના ડ્રાઇવરના પેટમાં શૈતાન જાગૃત થતા જ ડ્રાઇવરે બમ્પ ઠેકડવાનું શરૂ કરી નાગણી માફક આમથી તેમ બસને રોડ નીચે ઉતારી જોખમ સર્જતાં શિરોય પાસે જાગૃત નાગરિકો અને મુસાફરોએ બસના ડ્રાઇવર એવા આરોપી રમેશભાઈ શંકરભાઇ ડામોર ઉ.47ને નીચે ઉતારી મુક્યા હતા અને સંજોગો વસાત એસટીની ચેકીંગ ટીમ પણ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી.

- text

આ ગંભીર ઘટનામાં દારૂ પી બસ હંકારનાર ડ્રાઇવર આરોપી રમેશભાઈ શંકરભાઇ ડામોર વિરુદ્ધ એસટી બસના કંડકટર અર્જુનસિંહ દોલતસિંહ પરમારે જાતે ફરિયાદી બની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text