ગરમીએ તોબા લેવડાવ્યા : બુથ ઉપર ફરજમાં રહેલા 4 કર્મચારીઓની તબિયત લથડી

- text


બે અન્ય વ્યક્તિની તબિયત પણ બગડી : 108ની ટિમ મતદાનના દિવસે સતત દોડતી રહી

મોરબી : આજે લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી સ્ટાફનો જુસ્સો પણ કાબિલેદાદ હતો. આકરી ગરમી વચ્ચે પણ સ્ટાફે હોંશભેર ફરજ બજાવી હતી. પણ આ દરમિયાન 4 કર્મચારીઓની તબિયત લથડતા તમામને 108 મારફત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર આજે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. ગઈકાલે સાંજે જ ચૂંટણી સ્ટાફે મતદાન મથકનો કબજો સંભાળી લીધો હતો. અનેક અગવડતાઓ વચ્ચે પણ આ ચૂંટણી સ્ટાફે મતદાન મથકો ઉપર રાતવાસો કર્યો હતો. ઉપરાંત બીજે દિવસે મતદાન પ્રક્રિયા વેળાએ આકરી ગરમી પણ હોય 4 જેટલા ચૂંટણી કર્મચારીઓની તબિયત ખરાબ થઈ ગઈ હતી.

જેમાં રવાપર સ્કૂલના બુથમાં 33 વર્ષીય પુરુષ પોલિંગ સ્ટાફને તાવ અને નબળાઈ લાગતા મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ભળીયાદ સ્કૂલના બુથમાં ફરજ બજાવતા 25 વર્ષીય પુરુષ પોલિંગ સ્ટાફને ઉલટી અને માથાનો દુખાવો થતા તેઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરબાર ગઢના બુથમાં ફરજ બજાવતા 30 વર્ષીય પુરુષ પોલિંગ સ્ટાફને ઉલટી અને પેટનો દુખાવો થતા મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ સાથે દેવપરા ગામના બુથમાં ફરજ બજાવતા 52 વર્ષીય પુરુષ પોલિંગ સ્ટાફને ડાયેરિયા અને ઉલટીતા સીએચસી ચોટીલા લઈ જવામાં આવ્યા હતા.

- text

જ્યારે અન્ય વ્યક્તિઓમાં વાઘપર ગામના 45 વર્ષીય પુરુષનું સુગર વધી જતાં બેભાન થઈ ગયા હતા. તેઓને સીએચસી જેતપર ખસેડવામાં આવ્યા હતા. લજાઈ ગામમાં 76 વર્ષીય પુરુષને શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓને મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આમ મતદાનના દિવસે 108ની ટિમ સતત વ્યસ્ત રહી હતી.

 

- text