મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમા 1500 સ્પર્ધકોએ ભાગ લીધો

- text


ગાયન વાદન, લોક નૃત્ય, સુગમ સંગીત, કથ્થક નૃત્ય, ચિત્ર સહિતની 18 પ્રકારની સ્પર્ધામાં કલાકારોએ હિર ઝળકાવ્યું

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે રાજ્ય સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા તાલુકા કક્ષા બાદ આજે રવિવારે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે દર વખતે પોતાની કલાનું કૌશલ્ય દર્શવવા માટે દૂર દૂરની સરકારી શાળાઓના બાળકો એક યા બીજા કારણોસર બહુ જ ઓછી સંખ્યામાં હાજર રહેતા હોવાની વચ્ચે આજે જાગૃતિ અને કલાના કામણ પાથરવાની તકને ઝીલી લઈને દૂર દૂરની 30 જેટલી સરકારી શાળામાં ભણતા 300 જેટલા બાળકો સહિત 1500 સ્પર્ધકોએ સુષુપ્ત શક્તિઓને ખીલવી ઉત્સાહભેર ભાગ લઈને હવે કોઈપણ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ ક્યારેય પાછળ નહિ રહે તેવો મેસેજ આપ્યો હતો.

કલા મહાકુંભમાં ઘણી બધી રચનાત્મક સ્પર્ધાઓ ડાયરેક જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં યોજાઈ હતી. જેમાં ગાયન વાદન, લોક નૃત્ય, સુગમ સંગીત, રાસ ગરબા, કથ્થક નૃત્ય વકૃતવ, નિબંધ, ચિત્ર, તબલા વાદન જેવી 18 પ્રકારની સાંસ્કૃતિક અને સાહિત્યક સ્પર્ધાઓમાં શાળાઓના છ વર્ષના બાળકોથી લઈ 60 વર્ષ સુધીના 1500 જેટલા સ્પર્ધકોએ પોતાની કલાનું કૌવતનું શાનદાર રીતે પર્ફોર્મન્સ આપ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ કલા મહાકુંભમાં મોટી સંખ્યા સરકારી શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો એ બદલ ખુશી વ્યક્ત કરી હતી. આ જિલ્લા કક્ષાની કલાત્મક પ્રવૃત્તિઓમાં પ્રથમ આવનારા રાજ્ય કક્ષાએ ઝોન કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી પામશે.

કલા મહાકુંભમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મીયાત્રા, સહિતના મહાનુભવો ઉપસ્થિત રહી કલાકારોને બિરદાવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, સત્યજીતભાઈ વ્યાસ અને સાર્થક વિદ્યાલયના સંચાલક કિશોરભાઈ શુકલએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text