મનુષ્ય જીવન દુર્લભ,નવા વર્ષમાં અનેક વિશ્વ કક્ષાનાં કાર્યો કરવા છે : પ્રકાશ વરમોરા 

- text


પોતાના ૫૧માં જન્મદિવસે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ખાસ વિચારો કર્યા જાહેર, સૌનો સહયોગ અને સહકાર માંગ્યો

હળવદ : ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પોતાના ૫૧માં જન્મદિવસે ખાસ વિચારો રજૂ કર્યા હતા. જેમાં તેઓએ કહ્યું કે મનુષ્ય જીવન દુર્લભ છે. આ નવા વર્ષમાં અનેક વિશ્વ કક્ષાનાં કાર્યો કરવા છે. જેના માટે સૌનો સહયોગ અને સહકાર જોઈએ છે.

પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું કે આ પચાસ વર્ષ જીવ્યા તેને હું કોઈ ઉપલબ્ધિ નથી માનતો. વર્ષો પહેલા બની ગયેલી એક ઘટનાની, વારંવાર ઉજવણી કરવી મને નિરર્થક લાગે છે. કોઈ ફિલોસોફરે એવું કહેલું કે આપણા કાંડા પર ‘માઈનસ વન’ લખેલું ટેટુ હોવું જોઈએ, જેથી રોજ સવારે ઉઠીને આપણને રીયલાઈઝ થાય કે આપણા બાકી બચેલા જીવનમાંથી એક દિવસ ઓછો થયો. આનાથી વિપરીત મને તો એવું લાગે છે કે આપણા કાંડા પર ‘પ્લસ વન’નું ટેટુ હોવું જોઈએ. એ હકીકતનું સ્મરણ થયા કરવું જોઈએ કે આપણે ગઈકાલે જ મૃત્યુ પામી શક્યા હોત, પણ આજે મળેલો વધારાનો દિવસ આપણા માટે બોનસ છે.

મને ખબર હતી કે આ થવાનું જ છે અને એ જ થઈ રહ્યું છે. ધીમે ધીમે હું મારા જીવનની એક એવી ‘એક્ઝીસ્ટેન્શીઅલ ક્રાઈસીસ’ તરફ આગળ વધી રહ્યો છું, જ્યાં અસ્તિત્વનો અર્થ, કારણ અને ધ્યેય શોધવાની નિરર્થક મથામણ આદરવી પડે. ચાઈનીઝ ફિલોસોફર કન્ફ્યુશીયસે કહેલું એમ, આપણા દરેકની પાસે બે જિંદગીઓ હોય છે અને બીજી જિંદગીની શરૂઆત ત્યારે થાય છે જ્યારે આપણને એ વાતની સભાનતા આવે છે કે આપણી પાસે એક જ જિંદગી છે.

‘કઈ રીતે વૃદ્ધ થવું ?’ જેવી માનવજીવનની મૂળભૂત સમસ્યાઓ માટેના કોઈ ટ્યુશન ક્લાસીસ કે તાલીમ કેન્દ્રો નથી હોતા. હકીકતમાં, ઉગી નીકળવું અને ઊગવું એ બંને ઘટનાઓ અલગ હોય છે. વૃદ્ધિ પામવી અને વિકાસ થવો, એ બંનેમાં તફાવત છે. વૃદ્ધિ તો બાવળ પણ પામે છે અને બગીચામાં રહેલો ગુલાબનો છોડ પણ. ‘વૃદ્ધિ પામવી’ તો દરેક સજીવનો મૂળભૂત ગુણધર્મ છે. સજીવ અવસ્થાના એ જ ગુણધર્મને સાકાર કરનારા આપણે, દર વર્ષે મોટા થઈએ તો એમાં કોઈ રોમાંચ નથી. ફક્ત ‘સર્વાઈવલ મોડ’માં જીવી રહેલા નીચલી હરોળના સસ્તન પ્રાણીઓ પણ વૃદ્ધિ પામે છે. કોઈપણ જાતના શોરબકોર કે ‘ઓવર ધ મૂન એક્સપીરીઅન્સ’ વગર એમના જન્મ-દિવસ પણ પસાર થાય છે.

જેઓ પ્રાણી જગતનો ૯૫% હિસ્સો બનાવે છે, એવા ઈનવર્ટીબ્રેટ્સ (અપૃષ્ઠવંશી પ્રાણીઓ) પણ પોતાના ત્રણ-ચાર જન્મદિવસ ઉજવી નાખતા હોય છે. એટલે કે જેઓ ‘સ્પાઈનલેસ’ છે, એવા મણકા વગરના પ્રાણીઓ પણ વૃદ્ધિ પામતા હોય, તો આપણો જન્મ-દિવસ આપણે કઈ ખુશીમાં ઉજવવાનો? આપણું વૃદ્ધિ પામવું એ યુનિક ઘટના નથી જ, અને તેમ છતાં આ પૃથ્વી પર આપણું માનવ તરીકે અવતરવું યુનિક છે.

આ પૃથ્વી પર રહેલા કરોડો-અબજો જીવોમાંથી મનુષ્ય અવતાર એટલા માટે દુર્લભ છે કારણકે આધ્યાત્મિક ઉન્નતિનો જે સ્કોપ મનુષ્ય પાસે છે, એ બીજા કોઈ પ્રાણી કે સજીવ પાસે નથી. એ સંચિત કર્મોનું ફળ હોય કે આ બ્રમ્હાંડે અપૃવ કરેલી આપણી વાઈલ્ડ-કાર્ડ એન્ટ્રી, પણ હકીકત એ છે કે પરમ-તત્વ તરફની ગતિ માટેની એકમાત્ર પૂર્વશરત મનુષ્ય અવતાર છે. ઈન્ટેલીજન્સ તો ચિમ્પાન્ઝીસ કે ડોલ્ફીન્સમાં પણ હોય છે, પણ ફક્ત બુદ્ધિ-ક્ષમતાની મદદથી આધ્યાત્મિક આરોહણ શક્ય નથી. એ માટે પ્રજ્ઞા (Intellect) જોઈએ, જે ફક્ત આપણને અવેલેબલ છે.

- text

તો શું આપણો એકમાત્ર ઉદેશ્ય મેડિટેશન કે સ્પીરીચ્યુઅલ રીટ્રીટ્સ કર્યા કરવાનો જ છે ? આઈ ડોન્ટ થીંક સો ! જો આપણું સમગ્ર જીવન પરમતત્વની ખોજ કે પ્રાપ્તિમાં જ પસાર થઈ જાય, તો આ પૃથ્વી પર આપણે કરેલું યોગદાન કેટલું? એ આધ્યાત્મિક હોય કે વ્યાવસાયિક, ફક્ત વ્યક્તિગત ઉન્નતિ માટે કરેલા પ્રયત્નો તો સ્વાર્થ કહેવાય. ઇઝન્ટ ઈટ ? તો અહિયાં આવે છે આપણા જીવનનો બીજો ઉદેશ્ય, અન્યની ઉન્નતિ કરવાનો.

આ જ વિષય પર બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને ફિલોસોફર બટ્રન્ડ રસેલનો એક અદભૂત નિબંધ હમણાં હાથ લાગ્યો. નોબેલ વિજેતાએ જીવનના ૮૧મા વર્ષે લખેલા આ ટૂંકા-નિબંધનું નામ છે, ‘How to grow old ?’. એમાં તેમણે લખ્યું છે કે વ્યક્તિગત લક્ષ્યને સંકોરતા જઈને, જનહિતાર્થની પ્રવૃત્તિઓ વધારતા જવી એ જ વૃદ્ધિ પામવાનો શ્રેષ્ઠ રસ્તો છે. નદીના રૂપક દ્વારા તેમણે સુંદર રીતે સમજાવ્યું છે કે મનુષ્યનું વ્યક્તિગત અસ્તિત્વ એક નદી જેવું હોવું જોઈએ. એના ઉદગમ સ્થાને એકદમ સાંકડું અને બંને બાજુ કાંઠાથી ઘેરાયેલું. ઝનુનપૂર્વક આગળ વધી રહેલી એ નદી, જેમ જેમ પથ્થરો સાથે અફળાય છે અને ધોધ સ્વરૂપે નીચે પછડાય છે, તેમ ધીમે ધીમે શાંત પડતી જાય છે. અન્ય ધારાઓ જેમ જેમ એનામાં ભળતી જાય છે, તેમ તેમ એ વિસ્તરતી જાય છે. એના કાંઠા, એની બાઉન્ડ્રીઝ દૂર થતી જાય છે. અને છેવટે, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવીને એ ચૂપચાપ સાગરમાં ભળી જાય છે.

સમાજ કે રાષ્ટ્ર પાસેથી સતત કશુંક મેળવતા રહેવાને બદલે, આપણે જ્યારે આપવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે વૃદ્ધિની સાથે વિકાસ પામીએ છીએ. જીવન કે સાથી મનુષ્યો પ્રત્યે કોઈપણ જાતની કડવાશ, તોછડાઈ, ખટરાગ કે અફસોસ રાખ્યા વગર આપણે જ્યારે ‘ફરગીવ’ એન્ડ ‘ફરગેટ’ના દ્વિ-ચક્રીય વાહન પર આગળ વધીએ છીએ, ત્યારે વિકાસ પામીએ છીએ. જીવનનો વ્યક્તિગત ઉદેશ્ય ઓગળીને જ્યારે સામુહિક પ્રગતિમાં રૂપાંતરિત થાય છે, ત્યારે આપણે વિકસીએ છીએ. અન્યને ઊંચકીને જ્યારે આપણે ઊંચકાઈએ છીએ, ત્યારે આપણે વિકાસ પામીએ છીએ. આ બ્રમ્હાંડ તરફથી બર્થડે ગીફ્ટમાં અનાયાસે મળી ગયેલા આપણા ટચુકડા અસ્તિત્વ માટે, રીટર્ન ગીફ્ટમાં શું જોઈએ છે ? એવું જ્યારે આપણે બ્રમ્હાંડને પૂછીએ, ત્યારે આપણે વિકાસ પામીએ છીએ. ફક્ત જન્મદિવસ ગણતા રહેવાથી ઉંમર ચોક્કસ વધે છે, વિકસી નથી શકાતું. પસાર થતા વર્ષોની સાથે વૃદ્ધિ અને વિકાસ બંને થાય, એ માટે યોગ અને યોગદાન જરૂરી છે.

- text