ધ્રાંગધ્રા કાપડ બજારમાં આગ લાગી, 15 દુકાનો આગની ઝપટે

- text


મોરબી ફાયર બ્રિગેડની મદદ મંગાઈ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન

મોરબી : ધ્રાંગધ્રા મેઇન બજારમાં આવેલ કાપડ બજારમાં આજે વહેલી સવારે આગ લાગતા 15 જેટલી દુકાનો ઝપેટમાં આવી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે. જો કે આગ મોટા પ્રમાણમાં પ્રસરી જતા મેજર કોલ જાહેર કરી મોરબી ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવતા મોરબીની ફાયર ટીમ ધ્રાંગધ્રા પહોંચી છે. જો કે, આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.

પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક પાસેના વેદાંત કોમ્પલેક્ષમાં આવેલી વ્યાસ સિલેક્શન અને કિંજલ ફેશન શોપમાં વહેલી સવારે આગ લાગી હતી. જોત જોતમાં આ આગની ઝપેટમાં આજુબાજુની 15 કરતા વધારે દુકાનો આવી ગઈ હતી.આગ લાગવાને કારણે રેડીમેઇડ કપડા, સાડી, ક્ટલેરી, લેડીઝ આઇટમો સહિતની અંદાજે 15 જેટલી દુકાનોમાં આગ પ્રસરતા દુકાનોમાં રહેલ માલ સામાન બળીને ખાખ થયો હતો.

- text

વહેલી સવારે આગ લાગવાની ઘટનાને પગલે બજારમાં અફરાતફરી સર્જાઈ હતી. હાલ આગને કાબૂમાં કરવા 10થી ફાયર ફાઈટરો પ્રયાસ કરી રહ્યા છે તેમજ આર્મીના 50 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આગને કાબૂમાં લેવા માટે મોરબી તેમજ વિરમગામથી ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા છે. ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર આગને કારણે કોઈ મોટી જાનહાની થઈ નથી. હાલ આ આગનું કારણ સામે આવ્યું નથી.

- text