મોરબીના બેલા ગામે કેમિકલયુક્ત કદડો ઠાલવાતા જનઆરોગ્ય ઉપર ખતરો

- text


બેલા ગ્રામ પંચાયતે જીપીસીબીને રજુઆત કરીને ઝેરી પ્રવાહી ઠાલવી જનાર જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી

મોરબી : મોરબીના બેલા રંગપર ગામે જાહેરમાં કોઈ કેમિકલયુક્ત કદડો ઠાલવી જતા જન આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે. આ ઝેરી પ્રવાહી જન આરોગ્ય માટે ખતરનાક હોવાથી ગ્રામ પંચાયતે જીપીસીબીને રજુઆત કરીને આ ઝેરી પ્રવાહી ઠાલવી જનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબીના બેલા રંગપર ગ્રામ પંચાયતના સરપંચ જ્યોત્સનાબેન કાંતિલાલ ઉઘરેજાએ જીપીસીબી એટલે કે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને લેખિતમાં રજુઆત કરી છે કે, તેમના ગામે જાહેર જગ્યામાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કેમિકલયુક્ત અત્યંત ઝેરી પ્રવાહી તથા ઘન કચરો ઠાલવી દેવામાં આવે છે. આ ઝેરી પ્રવાહી માનવ આરોગ્ય માટે અત્યંત જોખમી છે. ઝેરી પ્રવાહીના કદડાથી જન આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. જાહેરામાં આવી રીતે કોઈ અજાણ્યા શખ્સો તેમના ગામમાં કેમિકલયુક્ત ઝેરી પ્રવાહી ઠાલવી જતા ગામલોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ઝેરી પ્રવાહીથી લોકોને ગંભીર બીમારી થવાની દહેશત હોવાથી સરપંચે જીપીસીબીને રજુઆત કરીને કોણ આ ઝેરી પ્રવાહી ઠાલવી જાય છે તેની તપાસ કરી જે તે જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે અને પાંચ દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો ઉપરની કક્ષા રજુઆત કરવાનું જણાવ્યું છે.

- text

- text