સિરામિક એક્સપોર્ટ 20 હજાર કરોડનો આંકડો પાર કરશે

- text


સ્થાનિક માર્કેટમાં મંદીનો સામનો કરી રહેલ મોરબી સિરામિક ઉદ્યોગ માટે એક્સપોર્ટમા ઉજળા સંજોગો : છ મહિનામાં 9987.25 કરોડનું એક્સપોર્ટ થયું

મોરબી : રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ બાદ હાલમાં ઇઝરાયેલ પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હોવા છતાં પણ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગને ઓણસાલ રેકોર્ડબ્રેક 20 હજાર કરોડનું એક્સપોર્ટ થવાની આશા છે, ચાલુ નાણાકીય વર્ષના છ મહિનામાં જ મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા 9987.25 કરોડની સિરામિક ટાઇલ્સ સહિતની પ્રોડક્ટની નિકાસ કરી છે અને હજુ પણ વિદેશથી ધમધોકાર ઓર્ડર મળી રહ્યા છે, બીજી તરફ સ્થાનિક માર્કેટમાં મંદીનું મોજું યથાવત રહેતા નાના ઉદ્યોગકારો અને ખાસ કરીને વોલ ટાઇલ્સ તેમજ ડબલચાર્જ બનાવતા ઉધોગકારો ચિંતિત છે.

સમગ્ર વિશ્વના બીજા નંબરનો સૌથી મોટો મોરબીનો સિરામિક ઉદ્યોગ વર્ષે દહાડે સ્થાનિક એટલે કે ડોમેસ્ટિક માર્કેટમાં 50 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર અને વિદેશમાં ટાઇલ્સ, સેનેટરીવેર્સ પ્રોડક્ટ નિકાસ કરી 16000 કરોડનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપે છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં વૈશ્વિક ઉથલ પાથલ વચ્ચે રશિયા – યુક્રેન યુદ્ધ અને છેલ્લે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ છેડાતા મોરબીના સિરામિક એક્સપોર્ટને માઠી અસર પડવાની દહેશત જોવાઇ રહી હતી પરંતુ એથી વિપરીત સ્થિતિ વચ્ચે વૈશ્વિક અશાંતિ વચ્ચે પણ મોરબીના સિરામિક ઉદ્યોગના એક્સપોર્ટમાં ઘટાડો થવાને બદલે વધારો થવાના આંકડા સામે આવ્યા છે.

- text

મોરબીના ટોચના સિરામિક એકસપોર્ટર કરતા ઉદ્યોગકારોએ નામ ન આપવાની શરતે માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2023મા ઓગસ્ટમાં 1882.74 કરોડ અને સપ્ટેમ્બર માસ દરમિયાન 1636.21 કરોડ સહિત છેલ્લા છ મહિનામાં કુલ મળી 9987.25 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થવા પામ્યું છે જે જોતા આગામી બીજા છ મહિનામાં પણ આટલું જ એકસપોર્ટ થવાની આશાએ કુલ વાર્ષિક એક્સપોર્ટ 20 હજાર કરોડને પાર થવાની આશા સેવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગને ડોમેસ્ટિક માર્કેટમાં મંદીની ચિંતા સતાવી રહી છે અને સ્થાનિક માર્કેટમાં મંદીને પગલે અનેક નાના ઉદ્યોગકારો મુશ્કેલી અનુભવી રહ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

- text