મોરબી જિલ્લા પંચાયતમાં સંકલનનો અભાવ, સમિતિની રચનામાં કોકડું ગુંચવાયું

- text


બહુમતી હોવા છતાં સંકલન ન થતા ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા દર મહિને સંકલન બેઠક યોજવા નિર્ણય : સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવાનો એજન્ડાનો કોંગ્રેસ દ્વારા વિરોધ

મોરબી : ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માટે મળેલી સામાન્ય સભામાં સમિતિઓની રચના મામલે સહમતી ન સધાતા આજે માત્ર બે સમિતિઓની જ રચના થઈ હતી. બાકીની સમિતિઓની રચના હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવાનો એજન્ડાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. બીજી તરફ બહુમતી હોવા છતાં આંતરિક સંકલનનો અભાવ જોવા મળતા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા દર મહિને જિલ્લા – તાલુકા પંચાયતના સંકલન સમિતિની બેઠક યોજવાનું આજે જાહેર કર્યું હતું.

મોરબી જિલ્લા પંચાયત સમિતિઓની રચના કરવા માટે આજે સામાન્ય સભા યોજાઈ હતી. ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવાના. ઠરાવનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો.જેમાં 1.12 કરોડના કામો વધારે દર્શાવવામાં આવ્યા છે અને આજની સામાન્ય સભામાં આ એજન્ડા સમાવામાં આવ્યો ન હતો. પછી સામાન્ય સભાની નોંધમાં આ કામો દર્શાવતા વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો. આથી ભાજપે આ એજન્ડાને મતદાન પર લઈને બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાજપમાં જિલ્લા પંચાયતની સમિતિની રચનામાં કોકડું ગુંચવાતા અગાઈથી નક્કી કરેલી કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ એમ બે જ સમિતિની રચના કરી ચેરમનોની નિમણૂક કરી હતી. બાકીની સમિતિની રચના પેડિંગ રાખી છે. જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધીએ જણાવ્યું હતું કે ભાજપ સંગઠન નક્કી કરશે એમ બાકી સમિતિઓની રચના કરાશે. પરંતુ જિલ્લા પંચાયતમાં અંદરોઅંદર ખેંચતાણ અને સહમતી ન સધાતા બાકીની સમિતિઓની રચના મોકૂફ રાખવામાં આવી હતી.

દરમિયાન જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સંકલન જળવાઈ રહે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા દર મહિને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સાંસદ સભ્ય, ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારોને સાથે રાખી સંકલન સમિતિની બેઠક યોજવામાં આવશે તેવું જાહેર કરી સંકલનના અભાવ નો છેદ ઉડાવ્યો હતો.

- text

- text