મોરબી જિલ્લામાં મેઘરાજાની ફરી પધરામણી ! હળવદમાં દોઢ ઈંચ, મોરબીમાં એક ઈંચ 

લાંબા સમય બાદ સમગ્ર મોરબી જિલ્લામાં મેઘમહેર : ટંકારા-માળીયામાં અડધો ઈંચ, વાંકાનેરમાં 8 મીમી 

મોરબી : મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૂસણા લીધા હોય તેવી સ્થિતિ વચ્ચે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમા છાંટો પણ ન વરસતા મુરઝાતી મોલાતો જોઈ ધરતીપુત્રો નિરાશ બન્યા છે એવા સમયે જ ગઈકાલે રાત્રીના આઠ વાગ્યા બાદ મોરબી જિલ્લામાં સચરાચર મેઘકૃપા વરસી છે, મોરબી જિલ્લામાં મેઘરાજાની ફરી પધરામણી કરવાની સાથે સૌથી વધુ હેત હળવદ તાલુકામાં વરસાવ્યું છે અને આજે સવારે આઠ વાગ્યા સુધીમાં હળવદમાં દોઢ ઈંચ તો મોરબીમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૃમના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં ગઈકાલે રવિવારે રાત્રીના આઠ વાગ્યાથી અમીછાંટણા રૂપે મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું હતું અને રાત્રીના આઠથી દસ દરમિયાન મોરબીમાં 4 મીમી અને હળવદમાં 15 મીમી એટલે કે અડધો ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.બાદમાં રાતભર મોરબી જિલ્લામાં મેઘરાજાએ કૃપા વરસાવવાનું શરૂ રાખ્યું હતું અને સવારે છ વાગ્યા સુધીમાં મોરબીમાં 19મીમી, માળિયામાં 13મીમી, ટંકરામાં મીમી અને હળવદમાં 28મીમી વરસાદ નોંધાયો હતો. જો કે આજે સવારે 6 વાગ્યા સુધી વાંકાનેર તાલુકો કોરો કાટ રહ્યો હતો.

દરમિયાન આજે સોમવારે સવારે 6થી 8 કલાક દરમિયાન પણ મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ રાખતા મોરબીમાં વધુ 9મીમી, વાંકાનેરમાં 8મીમી, ટંકારામાં 8 મીમી અને હળવદમાં વધુ 4 મીમી વરસાદ વરસ્યો હતો જો, કે સમાચાર લખાય છે ત્યારે મેઘરાજાએ વરસાદી માહોલ વચ્ચે મેઘવિરામ લીધો હોવાનું જાણવા મળે છે.