ભૂગર્ભ ગટર ચોક અપ કરવાનું ષડયંત્ર ? : અંદરથી મોટા પથ્થર, રેતીના બાચકા, ગોદડા નીકળ્યા!

- text


પાલિકાના ભૂગર્ભ સફાઈ અભિયાન દરમિયાન ગટરમાંથી મળી ચોંકાવનારી વસ્તુઓ : જો આવી કરતૂત કરતા કોઈ પકડાશે તો આકરી કાર્યવાહી કરવાનો પાલિકાની ચેતવણી 

મોરબી : મોરબીમાં ભૂગર્ભ ગટર ચોક અપ થઈ જવાનો પ્રશ્ન ઘેરો બન્યો હતો. જેને પગલે પાલિકાએ ભૂગર્ભ સફાઈ હાથ ધરતા અંદરથી મોટા પથ્થર, રેતીના બાચકા ઉપરાંત ગોદડા સહિતની વસ્તુઓ મળી રહી હોય કોઈ તત્વોએ જાણે ભૂગર્ભ જામ કરવાનું ષડયંત્ર રચ્યું હોય તેવી પણ શંકા ઉભી થઇ છે.

મોરબી નગરપાલિકા છેલ્લા થોડા દિવસોથી શહેરની ભૂગર્ભ ગટરની મુખ્ય લાઈનોની સફાઈ કરી રહી છે. જેમાં મુખ્યલાઈનોમાં જ મોટા પ્રમાણમાં કચરો જામ થયાનું સામે આવી રહ્યું છે. આજે શનાળા રોડ તેમજ વીસીપરામાં ગટર સાફ કરવામાં આવી હતી. આ સ્થળેથી ગટરમાંથી મોટા પથ્થરો, રેતી ભરેલા બાચકા તેમજ ગોદડા નીકળ્યા હતા.

ભૂગર્ભ ગટરમાંથી આવી વસ્તુઓ મળી આવતા જાણે કોઈ તત્વો ભૂગર્ભ ગટર ચોક અપ કરી દેવાનું ષડયંત્ર ચલાવી રહ્યા હોય તેવી પણ શંકા ઉપજી છે. બીજી તરફ નગરપાલિકા પણ આ બનાવને લઈને આકરા પાણીએ છે. જો આવી વસ્તુ ભૂગર્ભ ગટરમાં નાખતા કોઈ પકડાશે તો કડક કાર્યવાહી કરવાના પણ નગરપાલિકાએ નિર્દેશ આપ્યા છે.

- text

- text