હજુ પણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ! ટંકારાના નેકનામ ગામે જાહેર આરઓ પ્લાન્ટે પાણી ભરવા ગયેલા યુવાનને હડધૂત કરાયો

- text


અહીં પાણી ભરવા ન આવવું કહી માર મારવાની સાથે રોકડની લૂંટ

ટંકારા : આજના આધુનિક યુગમાં પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખવામાં આવતો હોવાનો ચોંકાવનારો કિસ્સો ટંકારા તાલુકાના નેકનામ ગામે સામે આવ્યો છે. જેમાં ગામના જાહેર આરઓ પ્લાન્ટ ઉપર પાણી ભરવા ગયેલા અનુસૂચિત જ્ઞાતિના યુવાનને અહીં પાણી ભરવા ન આવવું કહી માર મારવાની સાથે યુવાનના પિતાને પણ જાતિ પ્રત્યે અપમાનિત કરી રોકડ રકમની લૂંટ કરવામાં આવતા ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે ગ્રામ પંચાયતના આરઓ ફિલ્ટર પ્લાન્ટ ખાતે મેહુલ પરેશભાઈ ચાવડા નામનો યુવાન પાણી ભરવા જતા આરોપી છત્રપાલસિંહ ઉર્ફે સતો ઇન્દુભા ઝાલા નામના શખ્સે મેહુલને વાળ પકડીને દીવાલ સાથે માથું અથડાવતા આ બાબતની જાણ મેહુલના પિતા અને ફરિયાદી પરેશભાઈ ખેંગારભાઈ ચાવડાને થતા તેઓએ આરોપીને શા માટે મારા પુત્રને મારો છો તેવું પૂછ્યું હતું.

- text

બીજી તરફ આરોપી છત્રપાલસિંહ ઉર્ફે સતો ઇન્દુભા ઝાલાએ પરેશભાઈને કહ્યું હતું કે, આ સવર્ણોનું પાણીનું પરબ છે અહીં પાણી ભરવા આવવું નહિ કહી જાતિ પ્રત્યે અપમાનિત કરી પરેશભાઈ સાથે ઝપાઝપી કરી ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા 1200ની લૂંટ ચલાવી આરોપી નાસી ગયો હતો.

આ ચોંકાવનારા બનાવ અંગે ટંકારા પોલીસે પરેશભાઈ ચાવડાની ફરિયાદને આધારે આરોપી છત્રપાલસિંહ ઉર્ફે સતો ઇન્દુભા ઝાલા વિરુદ્ધ આઇપીસી કલમ 323, 504, 392 તેમજ એટ્રોસીટી એકટની કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text