ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃધ્ધ પટકાયા, મહિલા કોન્સ્ટેબલે જીવ બચાવ્યો 

- text


રાજકોટ રેલવે સ્ટેશન ઉપર બનેલી દુર્ઘટનામાં મહિલા કોન્સ્ટેબલની કામગીરીને રેલવેએ બિરદાવી 

મોરબી : રાજકોટ રેલવે સ્ટેશન ઉપર ચાલુ ટ્રેનમાં ચડતી વખતે એક વૃધ્ધ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી જતાં તે દરમિયાન મહિલા કોન્સ્ટેબલે સમય સુચકતા અને બહાદુરીથી વૃધ્ધનો જીવ બચાવ્યો હતો.

ચાલુ ટ્રેનમાં ચડવા કે ઉતરવા સમયે અનેક અકસ્માતો સર્જાતા હોવા છતાં લોકો જીવ જોખમમાં નાખીને ચાલતી ટ્રેનમાં ચડે છે આવા જ એક કિસ્સામાં રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.3 પર VRL-TVC Exp. ટ્રેન આવી અને તે તેના સમય અનુસાર ઉપડતી હતી તે દરમિયાન એક વૃધ્ધ ચાલુ ટ્રેનમાં ચડવા ગયા અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી ગયા. તે દરમિયાન પ્લેટફોર્મ ડ્યુટી પર કાર્યરત રાજકોટ પોસ્ટના મહિલા કોન્સ્ટેબલ પ્રિયાંશી દુબે દ્વારા સતર્કતાથી તે વૃધ્ધને ખેંચી લઈ જીવ બચાવ્યો હતો.

પ્રિયાંશી દુબેની બહાદુરીથી તે વૃધ્ધનો જીવ બચી ગયો તેને માત્ર થોડી ઈજા થતાં પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. વૃધ્ધની પ્રાથમિક માહિતી પુછતા તેણે જણાવ્યું હતું કે તેમની ઉંમર 75 વર્ષ છે અને તે રાજકોટથી વલસાડ આ ટ્રેનમાં જતા હતા. મહિલા કોન્સ્ટેબલ દ્વારા તેમનો જીવ બચાવવા બદલ વૃધ્ધે આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત સૌ લોકોએ મહિલા કોન્સ્ટેબલને ઉમદા કામ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text