ધારાસભ્ય તમારા વીડિયો બહુ સાંભળ્યા હવે નક્કર કામગીરી કરો : કોગ્રેસ

- text


મોરબી : મોરબીમાં ગંદકી અને તૂટેલા રોડ રસ્તા મામલે પ્રજાએ સોશિયલ મીડિયામાં પોતાની વેદના ઠાલવ્યા બાદ ગઈકાલે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ દ્વારા વિડીયો સંદેશ જાહેર કરવામાં આવયા બાદ કોંગ્રેસી આગેવાનોએ ધારાસભ્યને જાહેર નિવેદન મારફતે વિડીયો સંદેશમાં વાત કરો છો તેવી નક્કર કામગીરી કરવા જમીન ઉપર આવવા ટકોર કરી હતી.

મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી અને મોરબી શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના વિડીયો સંદેશ અંગે જાહેર નિવેદન સાથે પ્રતિક્રિયા આપતા ધારાસભ્યને અણીયારો સવાલ પૂછતાં જણાવ્યું છે કે, કાંતિભાઈ છેલ્લા 25 વર્ષમાં મોરબીની પ્રજાની સુવિધા માટે તમે શું કર્યું ? 1995માં નગરપાલિકાને મકાન માર્ગ વિભાગ મારફત બનાવેલ ભૂગર્ભ ગટર તૈયાર કે ટેસ્ટીંગ કરવાય વગર જ પધરાવવા આવી ત્યારે કેમ કઈ ન બોલ્યા, મોરબીમાં ધરતીકંપ આવ્યો અને ભૂગર્ભ ગટરની ચેમ્બરો તૂટી ગયેલ જે આજ સુધી બનાવવામાં આવેલ નથી પાણીનો નિકાલ બંધ થયેલ છે ! નવી ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલ તે હજુ સુધી પૂર્ણરૂપ કાર્યરત થયેલ નથી અને જે નવી બનાવેલ ગટરને પણ જૂની ગટરની ચેમ્બર સાથે જોડી દેવામાં આવેલ છે. એક તો નાના પાઇપ નાખેલ અને એ પણ લાઈન લેવલ વગરના નાખી દેવામાં આવેલ છે તે પણ આપના ઘ્યાનમાં હશે જ.

- text

વધુમાં કોંગ્રેસના નેતાઓએ ધારાસભ્યને જાહેર નિવેદન મારફતે જણાવ્યું કે, મોરબીની પ્રજાને દિન પ્રતિદિન આપ ખાલી વચનો આપી મન મનાવી રહ્યા છો, આપના વિડિયો ઓડિયોમાં જે આપ વાત કરો છો એ પ્રમાણે આપ જમીન ઉપર કામગીરી માટે ઉતારતા નથી એ પણ મોરબીની પ્રજા જાણે છે. તમે નગરપાલિકા કામ કરવા માં નિષ્ફળ ગયેલ છે એ સમજવાને બદલે ઉલટું તમે પ્રજા ઉપર આક્ષેપ કરો છો કે કોઈ માણસો ભુગર્ભ કુંડી માં કોથળા નાખીને ગટર ઉભારવે છે ! જો કોઈ કુંડીમાં કોથળા નાખતા હોય અને તેની આપને ખબર હોય તો પગલાં કેમ લેતા નથી ?

કોંગ્રેસ આગેવાનોએ સણસણતા આક્ષેપ કરતા જણાવ્યું કે, મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ કે.કે પરમારે પોતાને મળેલ અઘિકારીનો બેફામ ગેરઉપયોગ કરી 45 ડીની કલમ હેઠળ લાખો રૂપિયા ઉડાવેલ છે. જે જનરલ બોર્ડમાં મજૂર પણ નથી થયા તો આ પ્રજાના ટેક્ષના પેસા ક્યારે વસૂલ કરાવશો ? આજે મોરબીની પ્રજા આપના માર્ગદર્શન નીચે ચાલતી પાલિકાના વહીવટથી તંગ આવી ગયેલ હોવાનું અને જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીના તળાવ ભરેલા છે શેરીગલીમાં અંઘકાર, રોડ રસ્તા ઉપર ખાડાઓની ભરમાર, ઉભરાતી ગટરોના ગંદા પાણીના વહેણ અને કચરાઓથી રોડ રસ્તા ઉભરાય છે ત્યારે રોગચાળો માઝા મૂકે તે પહેલાં મોરબી શહેરને સાફ સુથરું બનાવો બાકી વારંવાર ઓડિયો – વીડિયો બહાર પાડી મોરબીની ટેક્ષ ભરતી સોબર પ્રજાની બનાવટ ના કરો તેમ જણાવી પ્રજાની સુવિધા માટે વારંવાર મુદત નથી જોઇતી નક્કર કામગીરી કરી બતાવો તેવું કોંગ્રેસના નેતાઓએ અંતમાં પોતાના જાહેર નિવેદનમાં જણાવ્યું હતું.

- text