એસટી મુસાફરી મોંઘી થશે : ટૂંકા રૂટના ભાડામાં રૂ.6 સુધીનો ભાવ વધારો કરાશે

- text


લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન-એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધશે

મોરબી : એસટી વિભાગ દ્વારા રાજ્યમાં બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય જાહેર કરાયો છે. જેમાં ટૂંકા રૂટની મુસાફરીમાં રૂ. 6 સુધીનો ભાવ વધારો લાગુ થવાનો છે. જો કે એસટી વિભાગ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 2014 બાદ પહેલીવાર ભાડામાં વધારો થઈ રહ્યો છે.

જીએસઆરટીસી દ્વારા જણાવાયું છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં આપણું ભાડું ખૂબ જ ઓછું વધ્યું છે. પ્રતિ કિલોમીટર 20થી 25 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત એસટીનું મિનિમમ ભાડું હાલમાં સાત રૂપિયા છે. જે હવે ભાવવધારો થતાં 9થી 9.50 રૂપિયા જેટલું થશે. એસી સ્લીપર અને સીટર બસોમાં પણ આજ ભાડાના દર યથાવત રહેશે. લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન-એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો થશે.

- text

છેલ્લાં દસ વર્ષથી એસટીનાં ભાડામાં કોઈપણ વધારો કરાયો નથી અને હવે એસટી નિગમ દ્વારા સારી સુવિધા મુસાફરોને મળે એના માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુજરાત એસટીમાં સૌથી વધારે 85 ટકા લોકો લોકલ બસમાં મુસાફરી કરતા હોય છે. જેથી એમાં એકથી છ રૂપિયા સુધીનો વધારો કરાયો છે. ડીઝલ, મોંઘવારી ભથ્થા, ચેસીસ અને ટાયરોના ભાવમાં વધારો થતાં ભાડાવધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2014થી આજ દિન સુધી એસટી નિગમ પર આર્થિક ભારણ વિવિધ કારણોસર વધી ગયું છે. જેના કારણે હવે ભાડાં વધારાનો નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.

- text