હળવદમાં વેપારીના રૂ. 69 લાખ ચાઉ કરીને જુગાર -સટ્ટો રમી નાખનાર શખ્સ ઝડપાયો

- text


પોલીસે અમદાવાદથી પકડી પાડ્યો : રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કરવાની તજવીજ

હળવદ : હળવદમાં વેપારીના રૂ. 69 લાખ ચાઉ કરીને જુગાર -સટ્ટો રમી નાખનાર શખ્સને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. બાદમાં આ શખ્સની આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નારસંગભાઈ ઉર્ફે નવલસિંહ બનેસંગભાઈ ડોડીયા રહે. રતનપરવાળા એ ફરિયાદ કરેલ કે આરોપી ઉમેશ નરસીભાઈ પારેજીયા રહે. કણબીપરા, રામજી મંદિર પાસે વાળાએ ફરિયાદીની જય કિશાન ટ્રેડિંગ પેઢીના નામે જુદી જુદી પેઢી પાસેથી તલ રૂ. 37.34 લાખની ખરીદી કરી રૂ. 12.01 લાખ જય કિશાન ટ્રેડિંગ પેઢી તરફથી વેપારી પેઢીઓને ચુકવવામાં આવેલ છે. તેમજ રૂ. 25. 32 લાખ જય કિશાન ટ્રેડિંગ પેઢી તરફથી અન્ય વેપારી પેઢીઓને ચૂકવવાના બાકી હોય તેમજ જય કિસાન ટ્રેડિંગ પેઢી મારફતે ખેડૂતો પાસેથી તલની ખરીદી કરેલ તે પેઢી પાસેથી જય કિશાન ટ્રેડિંગ લેવાના રૂપિયા તથા જય કિસાન ટ્રેડિંગ પેઢીના કમિશનના રૂ. 32.30 લાખ લેવાના હતા. તે આરોપીએ લઈ ખરીદી તથા વેચાણ કમિશન પેટેના કુલ રૂ. 69. 64 લાખની ફરિયાદીની જાણ બહાર લઈ જઈ વિશ્વાસઘાત કર્યો હતો.

- text

આ બનાવને પગલે હળવદ પોલીસે તપાસ હાથ ધરી ઉમેશ નામના શખ્સને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. બાદમાં આ શખ્સને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તા.12 સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતાં હોય શખ્સને જેલહવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

- text