હળવદના માણેકવાડામાં ગારાનો વોશિંગ ઘાટ તાત્કાલિક હટાવી દેવાયો

- text


વોશિંગ ઘાટ બનાવવામાં કૌભાંડ કર્યું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા ગ્રામ પંચાયતે પોતાના કૌભાંડ પર ઢાંકપીછોડો કરી હવે નવેસરથી પાકા પાયે વોશિંગ ઘાટ બનાવવા દોડાદોડી શરૂ કરી

હળવદ : હળવદના છેવડાના ગામ માણેકવાડા ગામમાં ગ્રામ પંચાયતે વોશિંગ ઘાટ બનાવવાના કામમાં કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં વોશિંગ ઘાટ બનાવવા માટે સિમેન્ટ અને પાકા પથ્થરોનું કામ થવું જોઈએ પણ ગ્રામ પંચાયતે સિમેન્ટની જગ્યાએ ગારાનું ચણતર કરીને વોશિંગ ઘાટ માટે સરકારે ફાળવેલી રૂ.93,000ની ગ્રાન્ટ હજમ કરી નાખી હતી આ અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા ગ્રામ પંચાયતે પોતાના કૌભાંડ પર ઢાંકપીછોડો કરી ગારાનો વોશિંગ ઘાટ તોડી નાખી હવે નવેસરથી પાકા પાયે વોશિંગ ઘાટ બનાવવા દોડાદોડી શરૂ કરી છે.

- text

હળવદ તાલુકાના છેવાડાના માણેકવાડા ગામે તળાવ કાંઠે મહિલાઓને કપડાં ધોવા માટે વોશિંગ ઘાટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હળવદ બાંધકામ શાખા પાસેથી વિગતો માંગતા તેઓએ જણાવ્યું હતું કે, માણેકવાડા ગામમાં વોશિંગ ઘાટ બનાવવા માટે રૂ. 93,000ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને 15માં નાણાં પંચની યોજના હેઠળ માણેકવાડાની ગ્રામ પંચાયત દ્વારા જ આ તળાવના કાંઠે વોશિંગ ઘાટ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ વોશિંગ ઘાટ બનાવવા માટે પાકા પથ્થરો અને મજબૂત સિમેન્ટનો ઉપયોગ થવો જોઈએ. એના બદલે માણેકવાડાની ગ્રામ પંચાયતે તળાવ કાંઠે હલકા પથ્થર અને ગારાનું ચણતર કરીને નબળો વોશિંગ ઘાટ બનાવીને કૌભાંડ કર્યું હતું અને ગ્રાન્ટના રૂ 93,000 બરોબર હજમ કરી ગયા હતા. કેટલાક ગામના જાગૃત લોકોએ ગારાના ચણતરનો વીડિયો બનાવીને વાયરલ કરતા આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

જો કે મહિલાઓ આવા નબળા ઘાટ ઉપર કપડાં ધુએ તો તરતજ પાણીને કારણે આ ગારાનો બનેલો ઘાટ ધોવાઈ જાય એમ હતું. આ અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા ગ્રામ પંચાયતે ગારાનો બનાવેલો વોશિંગ ઘાટ તોડી પાડીને હવે નવેસરથી સિમેન્ટ અને પાકા પથ્થરોનો વોશિંગ ઘાટ બનાવવા દોડાદોડી શરૂ કરી હોવાનું બહાર આવ્યું છે. જો કે, ગૌ નબળું કામ કરવા બદલ ગ્રામ પંચાયત સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે હવે જોવુ રહ્યું.

- text