કમાઉ દીકરાને જ હેરાનગતિ ! રફાળેશ્વર ઉધોગ ઝોનમા વીજધાંધીયાથી ઉધોગકારો આગબબુલા

- text


છેલ્લા દોઢ માસથી ઉધોગ ઝોનમાં સતત વીજળી ગુલ અને ઉપરથી વીજતંત્રના બહેરા કાને રજુઆત અથડાતી હોવાથી ઉધોગકારોની ધીરજ ખૂટી : ઉધોગકારોએ પીજીવીસીએલ કચેરીએ મોરચો પણ વીજતંત્રએ યોગ્ય જવાબ આપવાનો બદલે બહાનાબાજી ચલાવતા રોષે ભરાયેલા 28 ઉધોગકારોએ આરટીઆઈ કરી

મોરબી : મોરબી નજીક આવેલ રફાળેશ્વર પાસે ઉદ્યોગ ઝોનમાં વીજ તંત્રના પાપે વારંવાર વીજધાંધીયાથી ઉદ્યોગકારો લાલઘૂમ થઈ ગયા હતા. જેમાં છેલ્લા દોઢ માસથી ઉધોગ ઝોનમાં સતત વીજળી ગુલ અને ઉપરથી વીજ તંત્રના બહેરા કાને રજુઆત અથડાતી હોવાથી ઉદ્યોગકારોની ધીરજ ખૂટી હતી અને આજે ઉદ્યોગકારોએ પીજીવીસીએલ કચેરીએ મોરચો માંડ્યો હતું અને ઉગ્ર રજુઆત કરી હતી. પણ વીજતંત્રએ યોગ્ય જવાબ આપવાનો બદલે બહાનાબાજી ચલાવતા રોષે ભરાયેલા 28 ઉદ્યોગકારોએ આરટીઆઈ કરી છે.

મોરબી નજીક આવેલ રફાળેશ્વર પાસેના પાટીદાર ફીડર હેઠળના મોટાભાગના ઉદ્યોગો આવતા હોય આ ઉદ્યોગ ઝોનમાં વીજતંત્રના પાપે સતત વીજધાંધિયા થાય છે. વીજધાંધિયા પણ એવા કે દિવસમાં અનેક વખત લાઈટ ગુલ થઈ જાય આવી રીતે ઉદ્યોગકારો ધંધો કેવી રીતે ચાલવી શકે ? આ સમસ્યા એકાદ બે દિવસથી નથી. સતત દોઢ માસથી દિવસમાં ગમે ત્યારે વીજળી ગુલ થઈ જાય છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે, સતત વીજળી ગુલ થતા તો ઉત્પાદન ઉપર ભારે અસર પડે છે અને મોટી નુકશાની આવે છે.

લાલપર નજીક આવેલા વીજતંત્રની ઓફિસે અનેક વખત રજુઆત કરી પણ દરેક રજુઆત વીજતંત્રના બહેરા કાને અથડાઈને પરત ફરી છે. આ વીજ સમસ્યા હલ કરવા માટે વીજતંત્ર ક્યારેય ગંભીર બન્યું નથી. હમેશા કોઈને કોઈ બહાના આગળ ઘરીને સતત વીજ વિક્ષેપ કરી રહ્યું છે. વિજતંત્રની બેદરકારી હદ બહારની છે. જે એક રજુઆત કરીએ તો એક બે દિવસમાં આ સમસ્યા હલ થવી જોઈએ એના બદલે રજુઆતોનો ધોધ વરસાવ્યો છતાં સમસ્યા હલ ન થઈ તો ન જ થઈ અને એટલું નીમ્ભર વિજતંત્ર બની ગયું કે આજે ઉદ્યોગકારોને ધંધો બંધ રાખીને વિજતંત્રની મુખ્ય કચેરીએ મોરચો માંડવાની રજુઆત કરી હતી ત્યારે પણ વીજતંત્રે જૂની ગાજરની પીપુડી વગાડીને બહાનાબાજી જ ચાલવી હતી.આથી એકીસાથે 28 ઉદ્યોગકારોએ આ વીજ સમસ્યા મામલે વીજ તંત્ર સામે આરટીઆઈ કરી છે.

- text

- text