મોરબી જિલ્લામાં SSCમાં 100 ટકા પરિણામ લાવનારી શાળાઓ ઘટી ! બે શાળાના પરિણામ તો શૂન્ય

- text


મોરબી જિલ્લાનું શિક્ષણસ્તર ક્રમશઃ ઉંચુ આવ્યું, વર્ષ 2020ની તુલનાએ 11 ટકા પરિણામ વધ્યું : જિલ્લામાં સૌથી ઉંચુ પીપળીયા રાજ કેન્દ્રનું અને સૌથી ઓછું જેતપરનું કેન્દ્રનું પરિણામ

મોરબી : સિરામીક નગરી મોરબી જિલ્લાની શિક્ષણસ્તર ઉતરોતર ઉંચુ આવી રહ્યું છે, ધોરણ-12ના પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લો અવલ્લ આવ્યા બાદ આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં મોરબી જિલ્લો રાજકોટ, અમદાવાદ જેવા જિલ્લાને પછાડી બીજા ક્રમે આવ્યો છે. જો કે સારા પરિણામ છતાં 100 ટકા પરિણામ મેળવવામાં મોરબી જિલ્લાની શાળાઓ ગત વર્ષની તુલનાએ ઘટી છે અને બે શાળાઓ શૂન્ય પરિણામ લાવી છે જે ચિંતાજનક બાબત છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ -10ની પરીક્ષામાં જિલ્લામાં કુલ 11614 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જે પૈકી 11535 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા માર્ચ 2023ની પરીક્ષામાં 75.43% વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જે પૈકી એ-1 ગ્રેડમાં 184 વિદ્યાર્થીઓ, એ-2 ગ્રેડમાં 1093, બી-1 ગ્રેડમાં 1821, બી-2 ગ્રેડમાં 2322, સી-1 ગ્રેડમાં 2245, સી-2 ગ્રેડમાં 1000 અને ડી ગ્રેડમાં 36 વિદ્યાર્થીઓ સાથે
75.43% ટકા પરિણામ આવ્યું છે જે વર્ષ 2022ની તુલનાએ 2 ટકા જેટલું ઉંચુ આવ્યું છે.

- text

મોરબી જિલ્લામાં ધોરણ 10માં 100 ટકા પરિણામ લાવનાર શાળાઓ વર્ષ 2022માં 10 હતી જે આ વર્ષે પરિણામ ઉંચુ આવવા છતાં વર્ષ 2023માં 6 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે અને 4 શાળાઓ ઘટી છે, એ જ રીતે શૂન્ય પરિણામ લાવનારી શાળાઓ વર્ષ 2022માં 1 હતી જેમાં બમણા વધારા સાથે આ વર્ષે જિલ્લાની બે શાળાઓ શૂન્ય પરિણામમાં અને 30 ટકાથી ઓછું પરિણામ હોય તેવી શાળાઓની સંખ્યા આ વર્ષે 10 હોવાનું બોર્ડની યાદીમાં જણાવાયું છે.

મોરબી જિલ્લામાં કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો જિલ્લામાં કુલ 9 કેન્દ્રમાંથી સૌથી ઉંચુ પરિણામ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ કેન્દ્રનું અને સૌથી ઓછું પરિણામ જેતપર મચ્છુ કેન્દ્રનું આવ્યું છે. કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો મોરબી કેન્દ્રનું 75.70 ટકા, વાંકાનેર કેન્દ્રનું 72.28 ટકા, ટંકારા કેન્દ્રનું 82.12 ટકા, જેતપર કેન્દ્રનું 60.98 ટકા, સિંધાવદર કેન્દ્રનું 78.28 ટકા, હળવદ કેન્દ્રનું 75.35 ટકા, ચંદ્રપુર કેન્દ્રનું 67.03 ટકા, ચરાડવા કેન્દ્રનું 75.46 ટકા, પીપળીયા કેન્દ્રનું 73.01 ટકા અને સૌથી ઉંચુ પીપળીયા રાજ કેન્દ્રનું 83.60 ટકા પરિણામ જાહેર થયું છે.

- text