મોરબી બસસ્ટેન્ડનું લોકપર્ણ કરે તે પહેલાં જ કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત

- text


કોંગ્રેસે ભાજપ હાય હાય અને નવા બસ સ્ટેન્ડને ખુલ્લું મુકોની નારેબાજી સાથે રીબીન લઈને રેલી કાઢી : કોંગ્રેસની એક ટીમે બસસ્ટેન્ડનાં દરવાજે નાળિયેર વધેરવા પ્રયાસ કર્યો

મોરબી : મોરબીનું નવું બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે તૈયાર હોવા છતાં સરકાર કે કોઈ નેતા દ્વારા હજુ સુધી ઉદઘાટન ન કરાતા ધૂળ ખાઈ રહેલા નવા બસસ્ટેન્ડનું આજે શનિવારે લોકાર્પણ કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખુલ્લું મુકવાની જાહેરાત કરી હતી તે મુજબ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો તેમના કાર્યાલયથી ભાજપ સરકાર હાય હાય અને નવા બસ સ્ટેન્ડને ખુલ્લું મુકોના નારેબાજી સાથે નીકળતા પોલીસે રસ્તામાં જ કોંગ્રેસના અગ્રણીઓની અટકાયત કરી હતી. તેમજ નવા બસ સ્ટેન્ડને ખુલ્લું મુકવા શ્રીફળ વધેરવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસના અગ્રણીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

મોરબીના નવા બસ સ્ટેન્ડને કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક બનાવવામાં આવ્યું છે. છેલ્લા છ-સાત મહિનાથી આ બસ સ્ટેન્ડ એકદમ તૈયાર હોવા છતાં લોકપર્ણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે. જેથી તૈયાર બસ સ્ટેન્ડનો લાભ ન લઈ શકતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. બીજી તરફ અનેક રજુઆત કરવા છતાં આ બસ સ્ટેન્ડનું લોકપર્ણ કરવા માટે સરકારની ઉંઘ ન ઉડતા અંતે મોરબી જિલ્લા કોંગ્રેસ મેદાને આવ્યું છે. નોંધનીય છે કે, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ થોડા સમય અગાઉ કલેકટરને આવેદન પાઠવી જો બસ સ્ટેન્ડનું લોકપર્ણ કરવા માટે શાસક પક્ષના નેતાઓને ફૂરસદ ન હોય તો કોંગ્રેસ આ બસ સ્ટેન્ડને જાહેર જનતા માટે ખુલ્લું મુકશે તેવી ચીમકી આપી હતી.

- text

દરમિયાન જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે શનિવારે વાગ્યે નવા બસ સ્ટેન્ડનું ઉદઘાટન કરવાની જાહેરાત કરી હતી. આથી વિરોધ પક્ષની આ ચીમકીને પગલે બસ સ્ટેન્ડ આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન મોરબી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો તેમના કાર્યાલયથી ભાજપ સરકાર હાય હાય અને નવા બસ સ્ટેન્ડને ખુલ્લું મુકો સહિતની ઉગ્ર નારેબાજી સાથે જાતે જ બસ સ્ટેન્ડને ખુલ્લું કરવા નીકળ્યા હતા અને આ કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ નવા બસ સ્ટેન્ડના બીજા ગેઇટ પાસે પહોંચ્યા ત્યારે બંદોબસ્ત રહેલી પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓની અટકાયત કરી લીધી હતી. જ્યારે અગાઉના પ્લાન મુજબ અમુક કોંગ્રેસ અગ્રણીઓએ નવા બસ સ્ટેન્ડને ખુલ્લું મુકવા માટે શ્રીફળ વધેરવાનો પ્રયાસ કરતા પોલીસે તેની પણ અટકાયત કરી હતી. આમ પોલીસે 20 જેટલા અગ્રણીઓ અને કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

 

- text