હાઇવે ઉપર પગપાળા જતા જુડવા ભાઈઓ ઉપર કન્ટેનર ખાબક્યું

- text


મોરબી – વાંકાનેર હાઇવે ઉપર કારખાનામાં હવનની પ્રસાદી લઈને આવતા હતા ત્યારે સર્વિસ રોડ ઉપર અચાનક ધસી આવેલા ટ્રકમાંથી કન્ટેનર છૂટું પડી જતા બનેલો બનાવ : બન્ને ભાઈઓની માંડ જીવ બચ્યો

મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર એક વિચિત્ર અકસ્માતમાં સર્વિસ રોડ ઉપર અચાનક ધસી આવેલા ટ્રકમાંથી કન્ટેનર છૂટું પડી જતા પગપાળા જઈ રહેલા બે જોડિયા ભાઈઓ ઉપર ખાબકતા બન્ને ભાઈઓની માંડ જીવ બચ્યો હતો, જો કે આ અકસ્માતમાં બન્ને ભાઈઓને ઇજા પહોંચી છે અને હાલમાં સારવાર હેઠળ છે, આ અકસ્માત સર્જ્યા બાદ ટ્રક કન્ટેનર ચાલક નાસી છૂટ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક ઓરસનઝોન એપાર્ટમેન્ટ ફલેટ નં- A-402માં રહેતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના પ્રયાગરાજ જિલ્લાના કડીગંજચોખડીના રહેવાસી શિવાનીબેન સંજયકુમાર ગુપ્તાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ વિકાસ પેકેજીંગ નામના કારખાનામાં કામ કરે છે જ્યાં તા.15ના રોજ હવન રાખવામાં આવેલ હોવાથી તેમના 14 વર્ષીય જુડવા પુત્ર પ્રવીણ અને પવન હવનની પ્રસાદી લઈને ઘરે પગપાળા પરત આવતા હતા ત્યારે રાત્રીના પોણા દસેક વાગ્યાના અરસામાં સર્વિસ રોડ ઉપર પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક કન્ટેનર રજી નં-GJ-12-BY-7820 માંથી કન્ટેનર છૂટું પડી જતા પ્રવીણ અને પવન માંડ માંડ બચ્યા હતા.

- text

આ વિચિત્ર અકસ્માતમાં તર્ક ચાલકે કાવો માર્યા બાદ છૂટું પડેલા કન્ટેનરથી પ્રવિણને જમણા પગના પંજા ઉપર તથા જમણા હાથના કોણીના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઇજા થઈ હતી તેમજ પવનને માથાના ભાગે ઈજાઓ પહોંચતા ટાંકા લેવા પડ્યા હતા અને જમણા પગની ઘૂટીએ ફ્રેકચર તથા સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ ગંભીર અકસ્માત સર્જ્યા બાદ ટ્રક કન્ટેનર ચાલક નાસી જતા શિવાનીબેન સંજયકુમાર ગુપ્તાએ અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text