મોરબી, માળીયા અને હળવદ પંથકમાં ફરી માવઠું થતા ખેડૂતો ચિંતિત

- text


આજે બપોરે વાતાવરણમાં પલટો આવતા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો

મોરબી : મોરબી, માળીયા અને હળવદ પંથકમાં આજે ફરી માવઠું થતા ખેડૂતો ફફડી ઉઠ્યા છે. જેમાં આજે બપોરે વાતાવરણમાં પલટો આવતા મોરબી અને માળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આથી પાકને નુકશાનીની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે.

મોરબી, માળીયા તેમજ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા માવઠું થયા બાદ આજે અસહ્ય ગરમીને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોરબી અને માળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામે કમોસમી વરસાદ પડતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા અને 10 મિનિટમાં અડધો ઇંચ કમોસમી વરસાદ પડ્યો હોવાનો સ્થાનિક લોકોનો અંદાજ છે.

- text

જ્યારે મોરબીના વાવડી રોડ અને રફાળેશ્વરમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે જ હળવદ પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે, માવઠાને કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાય ગયો છે.

ઘણા ખેતરોમાં હજુ રવિ પાકના ઉતારા કરીને ઢગલા કર્યા હોવાથી આ કમોસમી વરસાદથી પાક બગડી જવાની દહેશત ઉભી છે. જો કે મોરબી માળીયાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ બંધાય ગયું હતું પણ કેટલાક વિસ્તારોમાં જ કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. મોરબી શહેરમાં હાલ અમુક વિસ્તારને બાદ કરતાં માત્ર વાદળછાયું વાતાવરણ જ રહ્યું હતું.

- text