મોરબીના રવાપરમા 12-12 માળની ઈમારતોને મંજૂરી કેમ ? હાઇકોર્ટનો વેધક સવાલ

- text


હાઇકોર્ટે સરકાર અને સત્તાવાળાઓનો ખુલાસો માંગ્યો : કલેકટર સહિતના સત્તાધીશો સંતોષજનક જવાબ પણ આપી ન શકયા

મોરબી : મોરબીની આજુબાજુના રવાપર સહિતના ગામોમાં આડેધડ 12 -12 માળની બહુમાળી ઇમારતો ઉભી કરવાની મંજૂરી આપવા મામલે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓના વલણ પરત્વે ગંભીર નારાજગી વ્યકત કરતાં વેધક સવાલો કર્યા હતા કે, ગ્રામીણ વિસ્તારોમાં બાર-બાર માળની મંજૂરી કેમ આપવામાં આવી રહી છે, જો કે નામદાર હાઇકોર્ટના વેધક સવાલો અંગે કલેકટર તંત્ર સહિતના સત્તાધીશો સંતોષજનક જવાબ પણ આપી શક્યા ન હતા.

મોરબી જિલ્લામાં રવાપર સહિતના શહેરની નજીકના ગામોમાં આડેધડ 12 -12 માળની ઇમારતો ઉભી કરવામાં આવી રહી હોય નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આ ગંભીર બાબતે રિટ પિટિશન કરવામાં આવી હોય રિટ પિટિશનની સુનાવણીમાં નામદાર કોર્ટ દ્વારા આવી પરવાનગી કેવી રીતે આપી શકાય ? શું ખેતીની જમીન બેન ખેતીમાં પરિવર્તિત થઇ જાય તો સ્થાનિક સત્તાવાળાઓએ આડેધડ બાંધકામની પરવાનગી આપી દેવાની ? જેવા વેધક સવાલો ઉઠાવી હાઇકોર્ટે સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને માર્મિક ટકોર કરી આ સમગ્ર મામલે મોરબી જિલ્લા કલેકટર સહિતના પક્ષકારોને વિગતવાર ખુલાસો આપવા જણાવ્યું છે.

ભૂકંપ પ્રભાવિત મોરબીમાં વર્ષ 2001માં અનેક બિલ્ડીંગો ધ્વસ્ત થઈ હોવા છતાં મોરબી શેરમાં નગરપાલિકા તો ઠીક રવાપર જેવા ગામમાં ગ્રામ પંચાયતને સતા ન હોવા છતાં પણ 12-12 માળની ગેરકાયદેસર ઈમારતોને મંજૂરી આપવા અથવા તો આવા ગેરકાયદે બાંધકામો પ્રત્યે આંખ મિચામણાંના ખેલ ચાલી રહ્યા છે ત્યારે વાતાવરણ અને પર્યાવરણ સહિતના પાસાઓને થનાર નુકસાન અને જોખમને લઇ દહેશત વ્યકત કરતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે દ્વારા મોરબી જિલ્લા પંચાયત, કલેકટર અને રાજય સરકાર સહિતના સત્તાવાળાઓને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં બાંધકામના નિયમોમાં કોઇ ફેરફાર કે અલગતા છે કે કેમ ? ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં બાંધકામ અને શહેરી વિસ્તારમા થતા બાંધકામ અંગેના નિયમોના પાલનમાં થતી ચૂકના કારણે નાગરિકો શા માટે હાલાકીનો ભોગ બને ? વળી ગ્રામ્ય વિસ્તારમાં બાર- બાર માળની ઇમારતો ઉભી કરવાની પરવાનગી કેવી રીતે અને કઇ જોગવાઇ હેઠળ આપી શકાય?

- text

વધુમાં હાઇકોર્ટે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ઉંચી ઉંચી ઇમારતોના બાંધકામને લઇ અપાતી આડેધડ મંજૂરીઓને લઈને પણ ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને સ્થાનિક સત્તાવાળાઓના વલણ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે મોરબી જિલ્લા પંચાયત સહિતના સ્થાનિક સત્તાધીશોને મોરબી જિલ્લામાં સૌથી ઉંચી ઇમારત કેટલા માળની છે અને મહત્તમ કેટલી ઉંચી ઇમારત બાંધવાની પરવાનગી અપાયેલી છે તે સહિતના મુદ્દે પૃચ્છા કરવામાં આવતાં સત્તાવાળાઓ તરફથી કોઇ સંતોષજનક પ્રત્યુતર આપી શકાયો ન હતો, જેને લઇને પણ હાઇકોર્ટે નારાજગી દર્શાવી હતી અને આ સમગ્ર મામલે મોરબી કલેકટર સહિતના સંબંધિત સત્તાવાળાઓને આગામી તા.૨૧મી માર્ચ સુધીમાં જરૂરી ખુલાસા સાથેનો જવાબ રજૂ ક૨વા નિર્દેશ આપ્યો હતો.

- text