મોરબી જિલ્લામાં યુરિયા ખાતર કારખાનાઓમાં વેચી નાખવાનું જબરૂ કૌભાંડ

- text


ખેડૂતોને રૂ.270ના સબસીડી ભાવે વેચવાના યુરિયા ખાતરના ખુલ્લા બજારમાં 2200થી વધુ ભાવ : લેમિનેટ ઈન્ડસ્ટ્રીઝમાં ભારે ડિમાન્ડ

મોરબી : મોરબી જિલ્લામાં સરકાર દ્વારા ખેડૂતોને રાહતભાવે આપવામાં આવતા યુરિયા ખાતરનો કાળાબજાર કરવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે, ખાસ કરીને મોરબી જિલ્લામાં આવેલી પાર્ટિકલ બોર્ડ બનાવતી ફેકટરીઓ અને લેમિનેટ ઈન્ડસ્ટ્રીઝમાં યુરિયા ખાતરમાંથી બનાવવામાં આવત રેઝિનનો વ્યાપક ઉપયોગ હોય સહકારી મંડળીઓના કહેવાતા સેવાભાવી સંચાલકો દ્વારા ખેડૂતોના નામે યુરિયા ખાતર ઉધારી કારખાનેદારોને હિસ્સે ચુપચાપ જમા કરાવી મલાઈ તારવી લેવામાં આવી રહી છે, યુરિયા ખાતરની કાળાબજારીમાં હળવદ પંથકમાં આવેલ ખાતર વિક્રેતાઓનો સિંહ ફાળો હોવાનું પણ બહાર આવ્યું છે.

યુરિયા ખાતરનો કૃષિ વપરાશ ખુબ જ સામાન્ય અને આવશ્યક છે, ખાસ કરીને મગફળી, ઘઉં, ચણા, કપાસ, સહિતના તમામ પાકોમાં છોડના વિકાસ માટે ખેડૂતોને સરકાર દ્વારા પ્રતિ 50 કિલોગ્રામની બેગ રૂપિયા 270ના ભાવે નિયત કરેલી સહકારી મંડળી અથવા ખાતરના ડેપો ઉપરથી વેચાણ કરવામાં આવે છે, હકીકતમાં આ યુરિયા ખાતરની 50 કિલોગ્રામની એક બેગની પડતર કિંમત રૂપિયા 2200થી વધુ છે પરંતુ સરકાર ખેડૂતોને સબસીડી ભાવે નજીવા દરમાં ખાતર આપે છે. સરકારની આ ઉદાર નીતિનો લાભ ખેડૂતોથી વધુ ખાતરના ડેપો સંચાલક અને સહકારી મંડળીઓના સંચાલકો બેફામપણે અને મોટાપ્રમાણમાં ઉઠાવી રહ્યા છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ મોરબીના મદદનીશ ખેતી નિયામક દ્વારા આવા જ ગેરરીતિના કિસ્સામાં મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં એક કારખાનામાં દરોડો પાડી લાખો રૂપિયાની કિંમતની યુરિયા ખાતર કબ્જે કરી કારખાનેદાર વિરુદ્ધ આવશ્યક ધારા હેઠળ ફરિયાળપણ નોંધાવી છે, આ મામલે ભાર આવેલી વિગતો મુજબ મોરબી જિલ્લામાં સહકારી મંડળીના સંચાલકો અને ખાતરના વિક્રેતાઓ દ્વારા ખેડૂતોના નામે યુરિયાના ખોટા બીલો બનાવી મોરબી જિલ્લામાં મોટાપ્રમાણમાં આવેલ પાર્ટિકલ બોર્ડના કારખાનાઓ અને લેમિનેટ કારખાનાઓમાં આ યુરિયા કાળાબજારમાં ઉંચાભાવે વેચી મારવામાં આવી રહ્યું હોવાનું સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.

- text

મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં કુલ 180 ખાતરના વિક્રેતાઓ છે જેમાં હળવદ તાલુકામાં 40, વાંકાનેરમાં 40, માળિયામાં 23, મોરબીમાં 44 અને ટંકારા તાલુકામાં 33 સહકારી મંડળીઓ અને ખાતર ડેપો ખેડૂતોને રાહતભાવે ખાતર વેચાણ માટે પર્વના ધરાવે છે. ચોંકાવનારી બાબત એ છે કે, ખેડૂતોને આપવામાં આવતી 270 રૂપિયા પ્રતિ 50 કિલોગ્રામની બેગના કાળાબજારમાં ડિમાન્ડ પ્રમાણે ભાવ નક્કી થાય છે અને ટ્રક-મેટાડોર મોઢે આ ખાતર બરોબર કારખાનાઓમાં વેચી મારી કહેવાતી સેવા સહકારના રૂપકડા નામ ધરાવતી મંડળીઓના હોદેદારો ખેડૂતોના નામે પોતાની મલાઈ તારવી લેતા હોય છે.

સુમાહિતગાર વર્તુળોના મતે મોરબી જિલ્લામાં આવેલ પાર્ટિકલ બોર્ડ અને લેમિનેટ એટલે કે સનમાઇકા બનાવતી કંપનીઓ યુરિયા ખાતરમાં સલ્ફ્યુરિક એસિડ અને અન્ય કેમિકલનું મિશ્રણ કરી રેઝિન નામનો એડહેસિવ એટલે કે ગુંદર જેવો ચીકણો પદાર્થ બનાવી સસ્તા ભાવે પોતાના ઉત્પાદનમાં આ રેઝિનનો ઉપયોગ કરવા કાળાબજારમાંથી આવું યુરિયા ખરીદ કરી રહ્યા હોય ખાતર વિક્રેતાઓને આ ગોરખધંધામાં ચાંદી-ચાંદી થઈ પડી છે, જો કે જુના સાદુળકા ગામમાંથી ઝડપાયેલા આ કૌભાંડનો રેલો અનેક લોકોને આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

- text