વાંકાનેરના જાલી ગામે આગમાં મકાન ખાખ થઈ જતા પરિવાર ખુલ્લા પ્લોટમાં રહેવા મજબૂર

- text


મકાનની સહાય માટે વારંવાર ધક્કા ખાવા છતાં તંત્ર દાદ નહિ દેતા પરિવારે હિજરત કરવાની તેમજ જીવનનો અંત આણવાની ચીમકી આપી

વાંકાનેર : વાંકાનેરના જાલી ગામે રહેતા સામાન્ય પરિવારનું આવાસ યોજનાનું મકાન થોડા સમય પહેલા આગની ઘટનામાં બળીને ખાક થઈ જતા આ પરિવાર હવે ખુલ્લા પ્લોટમાં ઉપર આકાશ અને નીચે ધરતી જેવી હાલતમાં રહેવા મજુબર બન્યો છે. મકાનની સહાય માટે વારંવાર ધક્કા ખાવા છતાં તંત્ર દાદ નહિ દેતા પરિવારે હિજરત કરવાની તેમજ જીવનનો અંત આણવાની ચીમકી આપી છે.

વાંકાનેરના જાલી ગામે રહેતા વાઘેલા કિશનભાઈ દલપતભાઈએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, વર્ષ 2019માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલું તેમનું મકાનમાં ગત તા.12 ફ્રેબ્રુઆરીના રોજ કોઈ કારણોસર આગ લાગતા ઘરવખરી સમેત આ મકાન બળીને રાખ થઈ ગયું હતું. જો કે તેઓ પરિવાર સાથે મજૂરી કામ અર્થે બહાર ગયા હોવાથી આ આગની ઘટનામાં તેમના પરિવારનો જીવ તો બચી ગયો હતો.પણ મકાન આગમાં નાશ પામતા હવે તેઓ પરિવાર સાથે ખુલ્લા પ્લોટમાં ઉપર આકાશ અને નીચે ધરતી જેવી હાલતમાં રહેવા મજબુર બન્યા છે. મકાન વિહોણા થઈ જતા તેમના પરિવારની હાલત કફોડી થઈ ગઈ છે. મકાનની સાથે ઘરવખરી પણ બળી જતા નોંધારા થઈ ગયા છે. જો કે આ મકાનની સહાય બાબતે ગ્રામ પંચાયતને જાણ કરી ટીડીઓ પાસે રજુઆત કરવા ગયા હતા.પણ તેમની રજુઆત સાંભળવાની તસ્દી જ લીધી ન હતી. આટલા દિવસો વીતી જવા છતાં મકાનની સહાયની વાત બાજુએ રહી પણ તંત્રએ આજદિન સુધી સ્થળ તપાસની પણ કોઈ કાર્યવાહી કરી છે. બીજી બાજુ નોંધારી હાલતમાં જીવતા હોવાથી તેઓએ આખરે કંટાળીને હિજરત કરવાની તેમજ અને જીવનનો અંત આણવાની ચીમકી આપી છે.

- text

- text