ઝૂલતા પુલ કેસમાં મૃતકોને રૂ.10 – 10 લાખનું વચગાળાનું વળતર ચૂકવવા ઓરેવાને આદેશ

- text


ગુજરાત હાઇકોર્ટ દ્વારા પુલ જાળવણી પોલિસી, માતાપિતા વિહોણા બાળકોની સંભાળ, દુર્ઘટના કેસનો એફએસએલ રિપોર્ટ, નગરપાલિકાને સુપરસીડ કરવાના નિર્ણય સહિતની બાબતો અંગે આપ્યા મહત્વના નિર્દેશ

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગેના સુઓમોટો કેસની આજે સતત ત્રીજા દિવસે નામદાર હાઇકોર્ટમાં સુનાવણી ચાલી હતી જેમાં ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ સંદીપ એન.ભટ્ટ સાહેબે આજે ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા -ઓરેવા કંપનીને વચગાળાના વળતર પેટે મૃતકોના પરિવારજનોને રૂ.10 -10 લાખ અને ઇજાગ્રસ્તોને 2 – 2 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કરી એક મહિનાના સમયગાળામાં પીડિતોને વળતર ચૂકવી આપવા આદેશ આપ્યો હતો. આ સાથે જ આજે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પુલ જાળવણી પોલિસી, માતાપિતા વિહોણા બાળકોની સંભાળ, દુર્ઘટના કેસનો એફએસએલ રિપોર્ટ, નગરપાલિકાને સુપરસીડ કરવાના નિર્ણય સહિતની બાબતો અંગે મહત્વના નિર્દેશ આપ્યા હતા.

30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ થવાની સાથે 56 લોકો ઈજાગ્રસ્ત બનતા ગંભીર બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રીટ પિટિશન દાખલ કરી કેસની ઝડપભેર સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે નામદાર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા કંપની તરફથી વળતર ચૂકવવા મામલે આજે નામદાર કોર્ટ નિર્ણય લેનાર હોય અજંતાના વકીલ નિરૂપમ નાણાવટીએ આજે નામદાર કોર્ટ સમક્ષ કંપની રૂપિયા 15 લાખ વચગાળાનું વળતર ચૂકવવા તૈયાર હોવાનું કહેતા હાઇકોર્ટ દ્વારા જણાવાયું હતું કે માનવ જિંદગી અમૂલ્ય છે, નાણાંથી માનવ જિંદગીની કિંમત આંકી ન શકાય તેમ જણાવી અજંતાના પ્રયાસને વધાવ્યો હતો. જો, કે નામદાર હાઇકોર્ટ દ્વારા સુનાવણીના અંતે ઝૂલતા પુલ દુર્ઘટનાના તમામ મૃતકના પરિવારજનોને 10 – 10 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને રૂપિયા 2 – 2 લાખ વચગાળાના વળતર રૂપે આગામી એક મહિનામાં ચૂકવવા આદેશ આપ્યો હતો.

દરમિયાન આજની સુનાવણી દરમિયાન નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઝૂલતા પુલ કેસનું શું સ્ટેટ્સ છે તેવો સવાલ ઉઠાવતા અજંતાના વકીલ તેમજ એડવોકેટ જનરલ દ્વારા હાલમાં મોરબી સેસન્સ કોર્ટમાં કેસ કમિટ થયો હોવાનું જણાવ્યું હતું, જો કે આ કેસમાં હજુ સુધી એફએસએલનો આખરી રિપોર્ટ આવ્યો ન હોય નામદાર કોર્ટે સરકારપક્ષને રિપોર્ટ ક્યારે આવશે તેવો સવાલ પૂછતાં આસિસ્ટન્ટ એડવોકેટ જનરલ મનીષા લવકુમારે સામાન્ય સંજોગોમાં બે મહિનાનો સમય લાગતો હોવાનો જવાબ આપતા નામદાર કોર્ટે આ કેસ સામાન્ય ન હોવાનું જણાવી ઝડપભેર એફએસએલ રિપોર્ટ સબમિટ કરવા આદેશ આપી રાજ્યના મહાનગર અને નગરપાલિકા વિસ્તારમાં પુલની જાળવણી અંગેની કોમન પોલિસી આગામી 15 દિવસમાં લાગુ કરવા પણ આદેશ જારી કર્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે આજની સુનાવણી દરમિયાન ઝૂલતા પુલ કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરનાર પક્ષના એડવોકેટ દ્વારા નામદાર હાઇકોર્ટ સમક્ષ દુર્ઘટનામાં માતા-અથવા પિતા બે માંથી એક વાલી ગુમાવનાર બાળકોને પાલક માતાપિતા યોજનામાં સમાવેશ ન હોવાનું જણાવતા હાઇકોર્ટ દ્વારા આ બાબતે એડવોકેટ જનરલનો ખુલાસો પૂછ્યો હતો. નોંધનીય છે કે, ઝૂલતા પુલ દુર્ઘટનામાં 12 બાળકો પૈકી 8 બાળકોએ પિતા ગુમાવ્યા છે અને 4 બાળકોએ માતા ગુમાવી છે. ગંભીર બાબત એ છે કે, પિતાની છત્રછાયા ગુમાવનાર 8 બાળકોનું ભરણપોષણ માતા કરી રહ્યા હોય તેમને પાલક માતાપિતા યોજનામાં સમાવી આજના મોંઘવારીના સમયમાં મહિને રૂપિયા 3000ની રકમ અપૂરતી હોવાની દલીલ કરવામાં આવી હતી. મહત્વનું છે કે દુર્ઘટનામાં કેટલાક પીડિતો ને રાજા હરિશચંદ્ર યોજનાનો લાભ આપવામાં આવ્યો હોવાનું આસિસ્ટન્ટ એડવોકેટ જણાવતા નામદાર કોર્ટે યોજના શું છે ? તેનો જવાબ માંગતા તેઓ જવાબ આપી શક્ય ન હતા.

આજની સુનાવણી દરમિયાન નામદાર હાઇકોર્ટે નગરપાલિકાને સુપરસીડ કરવા માટેની કાર્યવાહી અંગે પણ સવાલ ઉઠાવતા નગરપાલિકાના વકીલ દ્વારા નગરસેવકો વતી બચાવ રજૂ કરાયા હોવાનું અને હાલમાં શહેરી વિકાસ વિભાગ પાસે આ બાબત કાર્યવાહીમાં હોવાનું કોર્ટને જણાવ્યું હતું. નોંધનીય છે કે આજે સુનાવણી દરમિયાન મોરબી પાલિકામાં ચૂંટાયેલા સદસ્યોએ બે અલગ અલગ જવાબો રજૂ કર્યા હોવાનું પણ કોર્ટ સમક્ષ જણાવાયુ હતું. આજની સુનાવણી દરમિયાન નામદાર હાઇકોર્ટ દ્વારા નગરપાલિકા, અજંતા ઓરેવા કંપની અને સરકારને આ દુર્ઘટનામાં અનાથ બેનેલા તેમજ માતા અથવા પિતા બે માંથી એક ગુમાવનાર બાળકોના ભણતર, આરોગ્ય અને સારસંભાળ માટે વિશેષ કાળજી લેવાની સાથે જરૂર પડ્યે તેમના કાઉન્સિલિંગ માટે સરકારને આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત નામદાર હાઇકોર્ટ દ્વારા આજે વળતર અંગેના દિશા નિર્દેશ બાદ જો વળતરને લઈ કોઈ પીડિતોને કે અન્ય કોઈને પ્રશ્ન હોય તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના ઇમેઇલ એકાઉન્ટ સીએમઓ ગુજરાત તેમજ મુખ્યમંત્રીના વોટ્સએપ નંબર ઉપર વાંધા સૂચન મોકલી આપવા માટેના નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા. એકંદરે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ સંદીપ એન.ભટ્ટ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ત્રણ દિવસની સતત સુનાવણી બાદ વળતર મુદ્દે મહત્વનો અને ઝડપી નિર્ણય કરી આ કેસની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

- text