પ્રિયા, બીયા સાથે વાત કરતા પહેલા ચેતજો ! હળવદનો યુવાન ચીટર ગેંગના ચક્કરમાં ફસાયો

- text


કાર લોન આપવાના નામે પ્રિયાએ વોટ્સએપ કોલ કર્યા, શ્યામ રબારીએ મારી નાખવાની ધમકી આપી અને બંગાવડી, શનાળાના શખ્સોએ સમાધાનને નામે 10 લાખ માંગતા મામલો પોલીસ મથકે

મોરબી : ફેસબુક કે વોટ્સએપ ઉપર મીઠી-મીઠી વાતો કરી ન્યૂડ બની વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરતી ટોળકીની જેમ જ ચીટર ગેંગ દ્વારા હવે નવો હથકંડો અપનાવી લોન આપવાના નામે સ્ત્રી પાત્ર અવાર – નવાર મીઠી -મીઠી વાતો કરે અને બાદમાં આ સ્ત્રીનો પતિ ભોગ બનનારને કેમ મારી પત્નીને વિડીયો-વોટ્સએપ કોલ કરીશ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી સમાધાનના નામે પૈસા પડાવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામનો યુવાન આવી જ પ્રિયા નામની સ્ત્રીના વોટ્સએપ કોલના ચક્કરમાં ફસાતા તેના જ જ બે મિત્રોએ વચ્ચે પડ્યા હોવાનો ઢોંગ કરી રૂપિયા 10 લાખની માંગ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

યુવાનો માટે લાલબતીરૂપ આ કિસ્સાની વિગત જોઈએ તો હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા અને જેતપર ગામે એગ્રોની દુકાનમાં નોકરી કરતા કૃણાલભાઇ વિનોદભાઇ અઘારા નામના યુવાનને દોઢેક મહિના પહેલા વોટ્સએપ કોલ ઉપર પ્રિયા નામની યુવતીનો ફોન આવ્યો હતો અને હું રાજકોટની દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાં નોકરી કરું છું તમારે ઓટોલોનની જરૂર છે તેમ કહેતા કૃણાલભાઇ વિનોદભાઇ અઘારાએ હાલમાં તેઓને લોનની જરૂર ન હોવાનું જણાવ્યું હતું.

બાદમાં પ્રિયા નામની યુવતી અવાર નવાર કૃણાલભાઇ વિનોદભાઇ અઘારાના મોબાઈલ ફોનમાં વોટ્સએપ કોલ કરી લોન સંદર્ભે વાતો કરવાની ચાલુ રાખી હતી અને પોતાને એક લાખ રૂપિયાની જરૂર હોય એક લાખ ઉછીના આપવા માંગણી કરી હતી. જો કે, કૃણાલભાઇ વિનોદભાઇ અઘારાએ હાલમાં પૈસા ન હોવાનું કહેતા પ્રિયાએ રાજકોટ મળવા આવો ત્યારે લેતા આવજો તેવું જણાવ્યું હતું.જેથી કૃણાલભાઇ વિનોદભાઇ અઘારાએ પ્રિયાના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

- text

જો કે, પ્રિયાના ફોન રિસીવ કરવાનું બંધ કરતા અન્ય નંબર ઉપરથી કૃણાલભાઇને કોલ આવ્યો હતો અને હું શ્યામ રબારી બોલું છું તું ઘણા સમયથી મારી પત્ની સાથે ફોનમાં કેમ વાત કરે છે તેમ કહેતા કૃણાલભાઇએ કહ્યું હતું કે હું વાત નથી કરતો પ્રિયા જ મને ફોન કરે છે અને લોન માટે કહે છે. આમ છતાં શ્યામ રબારીએ કૃણાલભાઇને ધમકી આપી ક્યાં છો હું તને જાનથી મારી નાખીશ તેવું કહેતા કૃણાલભાઇએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

આ સમગ્ર રેકેટમાં નવો વળાંક ત્યારે આવ્યો કે જયારે કૃણાલભાઇએ શ્યામ રબારીની ધમકી અંગે તેના જ બંગાવડી ગામે રહેતા મિત્ર જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને શનાળા ગામે રહેતા રવીભાઇ દીલીપભાઇ ખટાણાને સમગ્ર બનાવ અંગે જાણ કરતા આ બન્ને શખ્સોએ કહેલ કે શ્યામ રબારી બહુ જ માથાભારે છે પરંતુ અમારો મિત્ર છે એટલે તારું પ્રકરણ પૂરું કરાવી દેશું તું ચિંતા ન કર. બાદમાં જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને શનાળા ગામે રહેતા રવીભાઇ દીલીપભાઇ ખટાણાએ કૃણાલભાઈને કહ્યું હતું કે, શ્યામ સમાધાન માટે 11 લાખ રૂપિયા માંગે છે જે આપવા પડશે નહિતર એ તને જાનથી મારી નાખશે.

સમગ્ર બનાવ અંગે કૃણાલભાઈએ બન્ને મિત્ર અને ચીટર ગેંગના સાગરીત એવા જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને શનાળા ગામે રહેતા રવીભાઇ દીલીપભાઇ ખટાણાએ થોડા સમય બાદ કૃણાલભાઈને કહ્યું હતું કે તારા સમાધાનના રૂપિયા 10 લાખ અમે આપી દીધા છે જે અમને આપવા પડશે. જો કે પૈસા આપવાની ના પડતા બન્ને શખ્સોએ કૃણાલભાઈના પિતાને ફોન કરી સમાધાનના રૂપિયા આપવા દબાણ કરી કહ્યું હતું કે પૈસા નહીં આપો તો તમારા દીકરાને ઉપાડી જઈ મારી નાખશું. આમ અવાર નવાર ધમકીઓ આપવાનું ચાલુ રાખતા અંતે કૃણાલભાઇ વિનોદભાઇ અઘારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે તાલુકા પોલીસે ત્રણેય શખ્સ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૭,૫૦૭,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text