મોરબીમાં કાલે શનિવારે આભની અટારીએ જામશે પતંગ યુદ્ધ

- text


આબાલવૃદ્ધ સહિત સૌ કોઈએ છેલ્લી ઘડી સુધી તૈયારીઓ કરીને પેચ લડાવવા ભારે રોમાંચિત : મકરસંક્રાંતિએ દાન પુણ્યની સરવાણી વહેશે

મોરબી : મોરબીમાં ઉતરાયણ ફીવર છવાઈ ગયો છે. આવતીકાલે સવારથી દરેક અગાશીઓ પરથી આભની અટારીએ પતંગ યુદ્ધ જામશે. જો કે આ વખતે મોરબીમાં કોરોનાનું કોઈ વિઘ્ન નથી. આમ છતાં સાવચેતીપૂર્વક લોકો હર્ષોલ્લાસભેર પતંગોત્સવની ઉજવણી કરશે. અબાલવૃદ્ધ સહિત સૌ કોઈ પતંગોત્સવની ઉજવણી કરવા ઉત્સાહિત થયા છે. આબાલવૃદ્ધ સહિત સૌ કોઈએ છેલ્લી ઘડી સુધી તૈયારીઓ કરીને પેચ લડાવવા ભારે રોમાંચિત છે.

મોરબીમાં આવતીકાલે મકરસંક્રાંતિની ઉજવણીમાં દરેક અગાશીએ દરેક પરિવારના લોકો મિત્રો અને સ્નેહીજનો સાથે પતંગ ચગાવી શકશે. અને મ્યુઝિકની ધામલ મસ્તી ઉપર સાથે અગાશીથી આભની અટારીએ પતંગ ચગાવવાની મોજ માણશે. મોજીલા મોરબીવાસીઓ આ તહેવારની ઉજવણી કરવા ભારે ઉત્સાહિત જોવા મળે છે અને આવતીકાલે કાઇપો છે ની હર્ષ ચિચાયરી સાથે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે અને બાળકો અને યુવાનોથી માંડીને સૌ કોઈ કાલે પતંગ ચગાવીને પેચ લડાવશે. જો કે શનિ રવીની બે રજા હોવાથી ઘણા લોકો પતંગોત્સવ મનાવવા બહારગામ ઉપડી ગયા છે. તેથી એસટી સહિતના ખાનગી વાહનોમાં પણ ભારે ઘસારો જોવા મળ્યો હતો. જો કે ઘણા લોકો પતંગ ચગાવવાના આનંદના અતિરેકમાં પક્ષી કે કોઈ વ્યક્તિની જીવનની ડોર ન કપાય જાય તે માટે ખાસ તકેદારી રાખીને આ મોજીલો ઉત્સવ મનાવશે.

- text

છેલ્લા થોડા દિવસોથી પતંગ બજારો થોડી શુષ્ક હતી. તેમાં હવે નવો પ્રાણ ફૂંકાયો છે. મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પતંગ-દોરીની ધૂમ ખરીદી થશે અને લોકો છેલ્લી ઘડી સુધી પતંગ, દોરીની ખરીદી કરવા ઉત્સાહિત છે. પતંગ બજારોમાં આજે પતંગ અને દોરીની ખરીદી જામી છે. ત્યારે આવતીકાલે દરેક અગાશીઓ ઉપરથી પતંગોના પેચ લડાશે અને આકાશ રંગબેરંગી પતંગોની ભરમારથી છવાઈ જશે. પતંગના દોરાથી પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો તેમને તાત્કાલીક સારવાર માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. મકરસંક્રાંતિએ દાન-પુણ્યનો મહિમા હોવાથી દરેક લોકો દાનની સરવાણી વહાવશે. જ્યારે વધુ ઘાસચારો કે અનાજ ખાવાથી ગાયને આફરો ચડી જતો હોવાથી અબોલ પશુઓને ઓછો આહાર ખવડાવવાની અપીલ કરવામાં આવી છે.

- text