મોરબીમાં ડેરીના ધંધાર્થીનું વ્યાજખોરોએ માખણ કાઢી લીધું

- text


50 હજારના 3.50 લાખ વસૂલ્યા છતાં હજુ સોહીલ સુમરા અને ભવ્યરાજસિંહે ઉઘરાણી ચાલુ રાખતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ

મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક પ્રભુકૃપા સોસાયટીમાં દૂધની ડેરી અને કરિયાણાની દુકાન ધરાવતા પટેલ યુવાનને ધંધા માટે નાણાકીય જરૂરિયાત ઉભી થતા દરરોજના 500 રૂપિયા વ્યાજ લેખે 50 હજાર વ્યાજે લઈ 3.50 લાખ ચૂકવી આપવા છતાં વ્યાજખોર સોહીલ સુમરા અને ભવ્યરાજસિંહ ઝાલાએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મહેન્દ્રનગર નજીક પ્રભુકૃપા સોસાયટીમાં દૂધની ડેરી અને કરિયાણાની દુકાન ધરાવતા મૂળ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના જેતપર ગામના વતની અનિલભાઇ હરીલાલભાઇ કંડીયા નામના યુવાનને ધંધામાં બે વર્ષ પહેલા નાણાંની જરૂરત પડતા વિરપરડા ગામના સોહીલભાઇ સુમરા અને ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ ઝાલા પાસેથી દૈનિક 500 રૂપિયા વ્યાજ ચુકવવાની શરતે રૂપિયા 50 હજાર લીધા હતા અને બાદમાં કુલ રૂપિયા 3.50 લાખ ચૂકવી આપ્યા હતા.

- text

જો કે, આમ છતાં પણ વિરપરડા ગામના વ્યાજખોર સોહીલભાઇ સુમરા અને ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ ઝાલાએ રૂપિયા 25 હજાર બળજબરીથી કઢાવી લઈ હજુ પણ 75 હજાર આપવા પડશે તેવી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા આ યુવાને ગઈકાલે રેન્જ આઇજીના લોક દરબારમાં આપવીતી વર્ણવતા પોલીસે અનિલભાઇ હરીલાલભાઇ કંડીયાની ફરિયાદને આધારે બન્ને વ્યાજખોર વિરુદ્ધ આઇપીસી કલમ 384, 504,506 (2), 144 અને ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text