પ્રમુખ સ્વામી મહારાજનગરમાં પારિવારિક એકતા દિનની ઉજવણી

- text


 

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અગણિત ઘરોમાં ઘરસભાનો પ્રારંભ કરાવીને પારિવારિક શાંતિનો શાશ્વત ઉપાય ચીંધ્યો

પ્રમુખસ્વામી મહારાજે ૨,૫૦,૦૦૦ કરતાં વધુ ઘરોમાં જઈને પારિવારિક એકતા દૃઢ કરાવી

મોરબી : પ્રમુખ સ્વામી મહારાજનગરમાં આજે પારિવારિક એકતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અગણિત ઘરોમાં ઘરસભાનો પ્રારંભ કરાવીને પારિવારિક શાંતિનો શાશ્વત ઉપાય ચીંધવાનું જે કાર્ય કર્યું તેને મહાનુભાવોએ બિરદાવ્યું હતું.

પ્રમુખસ્વામી મહારાજે ૨,૫૦,૦૦૦ કરતાં વધુ ઘરોમાં જઈને પારિવારિક એકતા દૃઢ કરાવી હતી.વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અસંખ્ય લોકોને ઉચ્ચ જીવનની રાહ ચીંધીને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. ‘ વસુધૈવ કુટુમ્બકમ્’ – સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં ૯૫ વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યા હતા, પરિવારોને સુગ્રથિત કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી ઉત્સવ ઉપક્રમે સમાજના પ્રત્યેક પરિવાર સુધી પારિવારિક એકતાના સંદેશને પ્રસરાવવાનો આદેશ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આપ્યો.

આજે ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે ૪:૪૫ વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિના અભૂતપૂર્વ કાર્યને વર્ણવ્યું હતું. BAPS ના વિદ્વાન સંત પૂ. નારાયણમુનિ  સ્વામીએ ‘પારિવારિક એકતાનું અમૃત પાનાર પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે કરેલ પારિવારિક શાંતિનાં કાર્યો અને તેમણે આપેલ  ઘરસભારૂપી વિશિષ્ટ પ્રદાન વિષે વક્તવ્ય આપ્યું હતું.

BAPSના વરિષ્ઠ સંત પૂ. ડૉક્ટરસ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિરૂપી વિશિષ્ટ કાર્યને અંજલિ આપી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પારિવારિક શાંતિ માટે ચીંધવામાં આવેલા માર્ગે ચાલવાની સૌને શીખ આપી હતી. આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ હર્ષભાઈ  સંઘવી- ગૃહમંત્રી, શક્તિસિહ ગોહિલ-કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ, જગદ્ગુરુ શિવાદેશીકેન્દ્ર મહાસ્વામીજી- પ્રમુખ -જન શિક્ષણ સંસ્થાન- મહાવિદ્યાપીઠ, પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનન્દજી મહારાજ- અધ્યક્ષ- રામકૃષ્ણ આશ્રમ-રાજકોટ, અમિતભાઈ ચાવડા -કોંગ્રેસ અગ્રણી, દિલીપભાઇ જોશી- ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન એક્ટર અને જયરાજ સી. ઠાકર, મેનેજિંગ ટ્રસ્ટી- નરસી મોનજી એજ્યુકેશન ટ્રસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text