સિરામીક માટે શુભ સમાચાર !! કન્ટેનર ભાડામાં 60 ટકા જેટલો તોતિંગ ઘટાડો

- text


કોરોના મહામારી બાદ 15000 હજાર ડોલર સુધી પહોંચેલા કન્ટેનર ભાડા 4 હજાર ડોલર થઇ ગયા : લોડિંગ કેપેસીટી ફરી વધારવામાં આવતા ભાડામાં ઘટાડો

મોરબી : મંદીના દૌરમાંથી પસાર થઈ રહેલા મોરબી સિરામીક ઉદ્યોગ માટે ખુબજ મહત્વના અને રાહતના સમાચાર મળી રહ્યા છે. વર્ષે દહાડે 15 હજાર કરોડથી વધુનું એક્સપોર્ટ કરતા સિરામીક ઉદ્યોગને ફાયદારૂપ વૈશ્વિક નૂરભાડાં અને કન્ટેનર ભાડામાં 60થી 70 ટકાનો ઘટાડો થયો છે. કોરોના મહામારી બાદ યુકે, યુએસ સહિતના દેશોમાં 15000 હજાર ડોલર સુધી પહોંચેલા કન્ટેનર ભાડા હાલમાં 4 હજાર ડોલર થઇ ગયા હોય આવનાર દિવસોમાં મોરબી સીરામીક પ્રોડ્કટની એક્સપોર્ટની ગાડી બંબાટ દોડે તેવા સંકેત મળી રહ્યા છે.

કોરોના મહામારી બાદ વૈશ્વિક એક્સપોર્ટમાં ઉપયોગમાં લેવાતા કન્ટેનર ભાડામાં સતત વધારાને કારણે મોરબીના સિરામીક એક્સપોર્ટને માઠી અસર પડી હતી જેના પરિણામે મોરબીના સીરામીક ઉદ્યોગના એક્સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જો કે હાલમાં વેસેલમાં લોડિંગ કેપેસીટી અગાઉ જે 50 ટકા કરવામાં આવી હતી તેમાં ફરી વધારો થતા કન્ટેનર ભાડામાં તોતિંગ કહી શકાય તેવો ઘટાડો થયો હોવાનું મોરબીના અગ્રણી સીરામીક એક્સપોર્ટર નિલેશભાઈ જેતપરિયા જણાવી રહ્યા છે. નિલેશભાઈ જણાવ્યા મુજબ અગાઉ મિડલ ઇસ્ટ, અમેરિકા, યુકે સહિતના દેશમાં જે કન્ટેનર ભાડા ચુકવવાં પડતા હતા તેની સરખામણીએ હાલમાં અડધો અડધ કે તેથી પણ વધુ ઘટાડો થયો છે.

- text

ગાંધીધામ કચ્છના ફોર્ચ્યુન શિપિંગ સર્વિસના દિગપાલસિંહ સોઢાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિરામીક ટાઇલ્સ મારબલ વગેરે પ્રોડક્ટના યુએસ, યુકે જેવા કન્ટ્રી માટે કન્ટેનર ભાડા અગાઉ 15 હજાર ડોલર ભાવ હતો તે ઘટીને 4000 ડોલર સુધી ઘટી જતા 60થી 70 ટકા ભાડા ઘટાડાનો સીધો જ લાભ નિકાસકર્તા કંપની પેઢીને થઇ રહ્યો છે. આ ઉપરાંત અન્ય દેશોમાં 1400 ડોલરનો ભાવ હતો તે ઘટીને હાલમાં 40થી 50 ડોલર થયો હોવાનું ઉમેર્યું હતું. વધુમાં આ ભાડા ઘટાડા માટે વેસેલ કેપેસિટીમાં વધારો થયો હોવાનું ઉમેરતા તેઓએ જણાવ્યું હતું કે અગાઉ વેસેલમાં કેપેસીટીથી 50 ટકા કન્ટેનર જ જતા હતા જે હવે પૂર્ણ કેપેસીટીથી ચાલવા લાગતા ભાડામાં ઘટાડો નોંધાયો છે.

દરમિયાન મોરબી સીરામીક એસોશિએશન પૂર્વ પ્રમુખ અને અગ્રણી એક્સપોર્ટર નિલેશભાઈ જેતપરિયાએ કન્ટેનર ભાડામાં ઘટાડા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નૂર ભાડામાં ઘટાડો થતા હાલમાં અમેરિકાના ભાડામાં 50 ટકાથી વધુ તેમજ અન્ય દેશના કન્ટેનર ભાડામાં 60 ટકા કે તેથી પણ વધુનો ઘટાડો થતા આવનાર દિવસોમાં મોરબી સીરામીક પ્રોડક્ટ્નું એક્સપોર્ટ વેગવંતુ બનશે અને હાલની વિકટ સ્થિતિમાં આ ભાડા ઘટાડો સીરામીક ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ સાબિત થનાર હોવાનું તેમને જણાવ્યું હતું.

- text