ગરીબો અને પછાત વર્ગના ઉત્થાન માટે જીવન સમર્પિત કરનાર ડો.બાબાસાહેબની આજે 66મી પુણ્યતિથિ 

- text


ડો. બાબાસાહેબે કહેલું- હું મારું જીવન અને શક્તિ ગરીબો અને પછાત વર્ગના ઉત્થાન માટે રોકાણ કરવા માંગું છું

મોરબી : દેશના બંધારણના ઘડવૈયા એવા ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની આજ રોજ 66મી પુણ્યતિથિ છે. 6 ડિસેમ્બર 1956ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરનું નિધન થયું હતું. ડો. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ 1891ના દિવસે મધ્યપ્રદેશના મહુમાં એક સામાન્ય મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. પોતાનું જીવન અને શક્તિ ગરીબો અને પછાત લોકોના ઉત્થાન માટે ખર્ચી નાખનાર બાબાસાહેબને આજે દેશભરમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે પોતાનું સંપૂર્ણ જીવન ગરીબોની સેવા અને સમાજમાં ફેલાયેલા દુષણોને દુર કરવામાં સમર્પિત કરી દીધું હતું. વિદ્વાન હોવાની સાથે સાથે તેઓ બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે વિશ્વના અનેક દેશોમાં નોકરી કરવાની ઓફરો ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે, હું પ્રથમ અને છેલ્લો ભારતીય છું, હું મારું જીવન, મારી બધી શક્તિ ગરીબો માટે ખર્ચું છું અને પછાત લોકોના ઉત્થાન માટે રોકાણ કરવા માંગું છું.

ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનભર ગરીબો અને મજૂરોને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કર્યો. વર્ષ 1942માં બ્રિટિશ શાસકો દેશના ગરીબો અને મજૂરોને 12 કલાક કામ કરાવતા હતા તેથી તેઓ આ અન્યાય સામે અંગ્રેજો સામે લડ્યા હતા. આજે આપણને 8 કલાક કામ કરવાનો અધિકાર મળ્યો છે તે ડો. બાબાસાહેબ આંબેડકરના કારણે જ મળ્યો છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

૧૯૪૬માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો હતો. ડો. બાબાસાહેબ આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા. ૯ ડિસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી હતી. ડો. બાબાસાહેબ આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ૩ ઓગસ્ટ ૧૯૪૭માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડો. બાબાસાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડો. બાબાસાહેબ આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી.

- text

અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડો. આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી ૧૯૪૮ના છેલ્લા અઠવાડીયામાં ભારતનાં બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડો. બાબાસાહેબ આંબેડકરે ૧૫ એપ્રિલ ૧૯૪૮માં ડો. શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. ૪ નવેમ્બેર ૧૯૪૮ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણ સભાના પ્રતિનિધિઓ તેમજ ડો. રાજેન્દ્ર પ્રસાદે ડો. બાબાસાહેબ આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા.

૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો. ડો. બાબાસાહેબ આંબેડકરે ઘડેલું ભારતનું બંધારણ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ ગણવામાં આવે છે. જે લોકોએ વિશ્વના અન્ય દેશના બંધારણોનો અભ્યાસ કર્યો છે તેઓ માને છે કે ભારતનું બંધારણ સર્વશ્રેષ્ઠ બંધારણ છે. ભારતનું બંધારણ એ ભારતનું પ્રતિબિંબ છે.

- text