હળવદના ઢવાણા ગામે ખેત શ્રમિકને વાડી માલિકે માર માર્યાની ફરિયાદ

- text


600 મણ કપાસના ભાગને બદલે ફ્રેક્ચર કરી નાખતા કવાટ પોલીસ મથકમાં ફરિયાદ બાદ હળવદ પોલીસે એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધી

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે ત્રીજા ભાગે ખેતીની જમીન ભાગમાં વાવ્યા બાદ 600 મણ કપાસ અને એરંડાનો ભાગ ન આપવો પડે તે માટે વાડી માલિક અને તેના સાળાના પુત્રએ છોટા ઉદેપુર જિલ્લાના ખેતમજૂરને ઢોર માર મારી કાઢી મુક્યા બાદ હળવદ સરકારી હોસ્પિટલમાં પણ યોગ્ય સારવાર ન આપવામાં આવતા આ મજબુર શ્રમિક પરિવાર પોતાના વતન કવાટ ખાતે સારવારમાં જતા ખેતશ્રમિકને ફ્રેક્ચર થયું હોવાનું બહાર આવતા કવાટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બાદમાં હળવદ પોલીસે ઢવાણા ગામના વાડી માલિક વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે મુળજીભાઈ રજપૂતની વાડીએ ત્રીજા ભાગમાં ખેતી કરવા આવેલા
અંગીબેન ફતેસિંહભાઈ નાયકા, રહે. ચીલીયાવાંટ, પતીયાળા ફળીયા તા.કવાંટ જિલ્લો છોટાઉદેપુર નામના મહિલાએ કવાટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ મામલે ગુન્હો દાખલ કર્યો છે.

- text

ફરિયાદી અંગીબેન નાયકાએ જાહેર કરેલ ફરિયાદ મુજબ તેઓ છેલ્લા છ માસથી મુળજીભાઈ રજપુત રહે. ઢવાણા વાળાની વાડીએ ત્રીજા ભાગે 52 વીઘા જમીન ભાગમાં વાવવા રાખતા 600 મણ કપાસ ઉતર્યો હતો અને બાદમાં આ જમીનમાં એરંડાનું વાવેતર કરતા બે મહિના બાદ એરંડાનો પાક પણ તૈયાર થઈ જાય તેમ હોય સારા વળતરની આશાએ અંગીબેન તેમના પતિ, દિયર, દેરાણી અને તેમના પુત્ર સહિતના લોકો કામ કરતા હતા ત્યારે વાડી માલિક મુળજીભાઈ રજપૂત વાડીએ આવ્યા હતા અને ભાગના પૈસા ન આપવા પડે તે માટે અંગીબેનના પતિ ફતેસિંહને ઢોર માર માર્યો હતો.

બાદમાં ઇજાગ્રસ્ત ફતેસિંહને 108 મારફતે હળવદ દવાખાને લઈ જતા ત્યાં વાડી માલિક મુળજીભાઈનો સાળો રણજીતભાઈ રહે. કૈલાશનગર, હળવદ વાળો આવ્યો હતો અને પોલીસ ફરિયાદ નહિ કરવા સમજાવી તેમજ ધમકી આપી હતી. ઘટના બાદ ફરિયાદી વાડીએ સામાન લેવા જતા મુલજીભાઈએ પણ ફરિયાદ ન કરવા કહી 20 હજાર આપવા જણાવી હળવદ ખાતે ગાડીમાં મૂકી જઈ કાગળમાં સહિ કરવાનું કહેતા અંગીબેને સહી કરી ન હતી. જો કે નાણાં આપ્યા વગર જ વાડી માલિક પણ જતો રહેતા આ શ્રમિક પરિવાર કવાટ પહોંચ્યો હતો જ્યાં ફતેસિંહને સારવારમાં લઈ જતા તેમને ફ્રેક્ચર હોવાનું બહાર આવતા એનજીઓની મદદ બાદ મુળજીભાઈ વિરુદ્ધ કવાટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઢવાણા ગામના આ બનાવ અંગે હળવદ પોલીસે મુળજીભાઈ રજપુત અને તેના સાળા વિરુદ્ધ હાલમાં આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એક્ટની કલમ ૩(૧)(R)(S), ૩(૨)(૫-અ) મુજબ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text