દુષ્કર્મની ઘટનાના વિરોધમાં મોરબી પાલિકાના તમામ સફાઈ કર્મીઓની હડતાલ, કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર

- text


 

તમામ સફાઈ કર્મીઓ પહેલા નગરપાલિકાએ એકત્ર થઈ ત્યાંથી કલેકટર કચેરીએ જઈને મહિલા કર્મીઓની સુરક્ષાના મુદ્દે આવેદન આપી આજથી હડતાલ પર ઉતરી ગયા

આરોપીઓના પિતા સહિતના પાંચ શખ્સોએ સિવિલમાં આવીને ભોગ બનનારના પરિવારને ધમકી આપ્યાની રાવ

મોરબી : મોરબીના રવાપર નજીક ગત મોડી રાત્રે સફાઈ કરતી આધેડ વયના મહિલા કર્મચારીનું અપહરણ કરી બે નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આજે સાંજે તમામ પાલિકાના સફાઈ કામદારો તેમજ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પહેલા નગરપાલિકા બાદ કલેકટર કચેરીએ દોડી ગયા હતા અને આરોપીઓને ફાંસી આપો, પીડિતાને ન્યાય આપો તેવા કલેકટર કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે આરોપીઓના પિતા સહિતના પાંચ શખ્સો સિવિલમાં આપીને ભોગ બનનારના પરિવારને ધમકી આપી હોવાથી કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી હતી. સાથેસાથે સુરક્ષાના મુદ્દે તેમજ શેડ્યુલ ફેરવાની માંગ સાથે આજથી નગરપાલિકાના તમામ સફાઈ કર્મચારીઓ વીજળીક હડતાલ ઉપર ઉતરી ગયા હતા.

મોરબીના રવાપર નજીક ગત મોડી રાત્રે આધેડ વયના મહિલા સફાઈ કર્મચારી ઉપર હેવાનનીયતભર્યું દુષ્કર્મ આચારી હુમલો કરવાના બનાવના વિરોધમાં નગરપાલિકાના તમામ સફાઈ કર્મચારીઓ તેમજ તેમના સમાજના લોકો મોટી સંખ્યા ઉમટી પડી જિલ્લા કલેકટરને રજુઆત કરવા કલેકટર કચેરીએ દોડી ગયા હતા.જ્યાં લોકોએ આરોપીઓને ફાંસી આપો અને પીડિતાને ન્યાય આપો તેવી ઉગ્ર નારેબાજી કરી હતી. લોકોએ આ દુષ્કર્મની ઘટનાનો ઉગ્ર વિરોધ કરી આક્રોશ વ્યક્ત કરી રાત્રે સફાઈ કરતી મહિલા કર્મચારીઓની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા હતા. એટલું જ નહીં ભોગ બનનારના પરિવારે કલેકટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, તેમના પરિવારના મહિલા ઉપર અધમ કૃત્ય આચાર્ય બાદ હુમલો કરતા તેઓને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ આરોપીઓના દુષ્કૃત્ય આચાર્ય બાદ શરમ અનુભવી તો એકબાજુએ રહી પણ આરોપીઓને છાવરવા માટે તેમના પરિવારજનો મેદાને આવ્યા હતા.

- text

આરોપીઓના પિતા સહિત પાંચ જેટલા શખ્સોએ સિવિલ હોસ્પિટલમાં આવીને ભોગ બનનાર મહિલાના પરિવારને રીતસર તતડાવી નાખ્યો હતો અને તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ અમારું કોઈ કાઈ બગાડી નહિ લે તેવું કહીને આરોપીઓના પિતા સહિત પાંચ શખ્સોએ મહિલાના પરિવારને જાતિ પ્રત્યે હડધૂત કરી આ કેસ પાછો ન ખેંચી લો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આથી ભોગ બનનારના પરિવારે બન્ને આરોપીઓની સાથે તેના આ પાંચ મળતિયાઓ સામે કડક કાર્યવાહી કરી એટ્રોસીટી દાખલ કરવાની માંગ કરી હતી. જ્યારે સફાઈ કર્મચારીઓએ કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી કે, રાત્રે મોટાભાગના મહિલાઓ જ સફાઈ કરતા હોય તેની સાથે આવી ઘટના બને તે કોઈ કાળે યોગ્ય ન હોવાનું જણાવી મહિલાઓની સુરક્ષાની માંગ કરી હતી. તેમજ મહિલા કર્મચારીઓઓને હવે આ ઘટના બાદ દિવસમાં સફાઈ કરવામાં નહિ આવે ત્યાં સુધી હડતાલ ઉપર જવાનું કહીને આજથી જ તમામ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા.

- text