ચૂંટણી પછી મારો ફોન કાયમ ઉપડશે, મારા દરવાજા હંમેશા ખુલ્લા રહેશે : કાંતિલાલ

- text


 

મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ પોતાના આગવા અંદાજમાં બુદ્ધિજીવી સંમેલન સંબોધ્યું

હજુ મોરબીમાં બે બ્રિજ અને સારા રસ્તા બનાવવા છે, ડેમ પાસે 1100 વિઘા જમીનમાં ફરવાનું સ્થળ બનાવવું છે : કાંતિલાલ અમૃતિયા

મોરબી : મોરબી-માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ આજે પોતાના આગવા અંદાજમાં બુદ્ધિજીવી સંમેલન સંબોધ્યું હતું. જેમાં તેઓએ બુલંદ અવાજે કહ્યું કે ચૂંટણી પછી પણ કોઈ પણ કામ માટે મારો ફોન ઉપડશે જ, આ ઉપરાંત મારા દરવાજા પણ જનતા માટે ખુલ્લા જ હશે.

મોરબીના ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં બુદ્ધિજીવી સંમેલન યોજાયું હતું. જેમાં ડોકટરો, સીએ, સીએસ, આર્કિટેક, સ્ટેમ્પ વેન્ડર, ટેક્સ કન્સલ્ટન્ટ, એડવોકેટ સહિતના પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ રાજસ્થાનના સાંસદ યોગી બાલકનાથ અને મોદી વિચાર મંથના પ્રમુખ રવિ ચાણક્ય સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલનને સંબોધતા કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે હું નાનપણથી જ બીજા માટે લડતો હતો અને હવે તો બુદ્ધિજીવીઓએ પણ કહ્યું કે એવી જ રિતે લડતો રહું. તેઓએ ઉમેર્યું કે ગુંડાગીરી બંધ કરાવવાની છે. પણ ખાલી એજ કરવાનું નથી. વિકાસ પણ કરવાનો છે. હજુ મોરબીમાં બે બ્રિજ અને સારા રસ્તા બનાવવા છે. ડેમ પાસે 1100 વિઘા જમીન છે. ત્યાં ફરવાનું સ્થળ બનાવવું છે.

કાંતિલાલે જણાવ્યું કે મારે નરેન્દ્ર મોદી સાથે 42 વર્ષથી સબંધ છે. પણ એમનમ ટીકીટ ન મળે. ટીકીટ જનતા દેવડાવે છે. મોરબીની જનતાનો સર્વે થયો અનેક જગ્યાએ પૂછવ્યું તે પછી મને જનતાના કહેવાથી જ ટીકીટ મળી છે. તેઓએ ઉમેર્યું કે હોદ્દો મહત્વનો નથી. મેં જો માંગી હોત તો લાલ લાઈટ વાળી ગાડી આપી દીધી હોત, 1998માં તો ગૃહમંત્રી શંકરસિંહ માંગ્યું આપતા હતા પણ મેં કોઈ હોદ્દો માંગ્યો નહિ.

- text

બધા રાહ જોઈને બેઠા કે મોરબી અને આસપાસની એકેય સીટ નહિ આવે, પણ આ પાંચેય સીટ અપાવો એટલે દેશભરમાં મોરબીનો ડંકો વાગી જશે. તેઓએ ઉમેર્યું કે વડાપ્રધાન મોદીએ અને મેં 42 વર્ષ પહેલાં અહીં રોટલા, પુરી શાક ખાઈને બચાવ કાર્ય કર્યું. લોકોના અને પશુઓના મૃતદેહો ઉપાડ્યા, તેની પાછળ મોરારી બાપુની કથા બેસાડી. સતત 5 મહિના કામ કર્યું હતું. વડાપ્રધાન મોદીનું મોરબી ઉપર ઋણ છે. હવે એ ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે.

કાંતિલાલે પોતાની આગવી શૈલીમાં હાસ્ય સાથે જણાવ્યું કે મેં અત્યારે કોઈને અહીં આવવા માટે ફોન કર્યો નથી. છતાં લોકો મોટી સંખ્યામાં અહીં આવ્યા. પણ ચિંતા ન કરતા ચૂંટણી પછી તમારો ફોન ઉપડીશ જ. અને તમારા માટે મારા દરવાજા કાયમ માટે ખુલ્લા જ હશે. ગાંધીનગર રહેતો માણસ અહીં અઠવાડિયામાં 4 દિવસ રહીને મહારાજના હાથના રોટલા ખાઈ છે. તો આ માણસમાં અને સાધુમાં શુ ફેર ?

- text