હળવદના રણમલપુર ગામે કોંગ્રેસના આગેવાનો સહિત 300થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેર્યો

- text


ધ્રાંગધ્રા- હળવદ વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને ઘોડી પર બેસાડી બેન્ડ-વાજા સાથે ભવ્ય સામૈયું

હળવદના 13 ગામોમાં બાળાઓએ કંકુ-તિલક કરી વરમોરાને વધાવ્યા

હળવદ: ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાએ ઉમેદવારી નોંધાવ્યાના બીજા જ દિવસે તેમના મતક્ષેત્રના વીજળીવેગી પ્રવાસ શરૂ કર્યો હતો. હાલ જ્યારે તેઓ હળવદ- ધ્રાંગધ્રા મત વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે ત્યારે તમામ ગામોમાંથી તેમને વ્યાપક જન સમર્થન મળી રહ્યું છે. જે જે ગામોમાં તેમના પ્રવાસનું આયોજન થાય છે ત્યાં ગામના સરપંચ સહિતના આગેવાનો, વિવિધ જ્ઞાતિના મંડળો, ખેડૂત અગ્રણીઓ તરફથી તેઓને મીઠો આવકાર તો મળી જ રહ્યો છે, સાથોસાથ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ, હોદ્દેદારો તરફથી પણ વરમોરાને જબ્બર આવકાર મળી રહ્યો છે એટલું જ નહીં ઘણા ગામોમાં તો કોંગ્રેસ કે ‘આપ’ના નેતાઓ પંજો અને ઝાડુનો સાથ છોડી ભાજપમાં ભળી રહ્યા છે. આજે હળવદ ક્ષેત્રના રણમલપુર ગામમાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનો, વિવિધ પદ પર રહેલા કોંગ્રેસી નેતાઓએ વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ખાસ કરીને રણમલપુર ગામમાં તો પ્રકાશભાઈ વરમોરાને ઠાઠમાઠથી ઘોડી પર બેસાડી સમગ્ર ગામમાં બેન્ડ-વાજાની સુરવલી અને નગારાના જયઘોષ સાથે તેમણે ફેરવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રણમલપુર ગામ કોંગ્રેસનો ગઢ ગણાતો આવ્યો છે અને આ જ ગામમાંથી 300 કરતા વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ નેતાઓ સાથે વિધિવત ભાજપમાં જોડાઈ જતાં ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

રણમલપુર ગામમાં ગ્રામ પંચાયતના સભ્ય પુનાભાઈ રાઠોડ, હળવદ તાલુકા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જ્યંતીભાઈ પારેજીયા, યુથ કોંગ્રેસ અગ્રણી ત્રિશાલ પારેજીયા, કોંગ્રેસ મીડિયા સેલ પ્રમુખ યાજ્ઞિક ગોપાણી, તાલુકા પંચાયત સદસ્ય હસમુખ થળોડા, હળવદ કોંગ્રેસ અગ્રણી ભીખાલાલ સંઘાણી, યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ મિલન કાવર, Nsui પ્રમુખ હળવદ હરેશ ગોઠી, જસમતપુરના સરપંચ નિલેશભાઈ , જાંજળભાઈ રબારી, જીતેન્દ્ર ઈશ્વર વરમોરા સહિત 300થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈને વરમોરાને પોતાનો ટેકો જાહેર કરી તેમને જંગી બહુમતીથી જીતડવાના સંકલ્પ લીધા હતા.

મંગળવારે પ્રકાશભાઈ વરમોરાને દેવીપુર, કવાડિયા, ચંદ્રગઢ, બુટવડા, જુના વેગડવાવ, નવા વેગડવાવ, જુના ઇસનપુર, નવા ઇસનપુર, નવા માલણીયાદ, જુના માલણીયાદ, મંગલપુર, ધણાદ ગામોમાં પણ વ્યાપક આવકાર મળ્યો હતો.ત્યારે આવતીકાલ તા.23ને બુધવારે વરમોરા ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર, રામગઢ, હામપર, સરવાળ, મેથાણ, માનપુર, ગાળા, હીરાપુર ગામનો પ્રવાસ કરશે. જેમાં બપોરે 3 કલાકે હળવદમાં હરિ દર્શન હોટલના ગ્રાઉન્ડમાં યુ.પી.ના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ ભાજપના ઉમેદવારો માટે આયોજિત સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ધ્રાંગધ્રા શહેરના અન્ય કાર્યક્રમો માટે વરમોરા ત્યાં જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રામાં યોગી અદિત્યનાથને સાંભળવા માટે આસપાસના વિસ્તારોના ગ્રામીણોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો હોવાથી વિશાળ જનમેદની એકત્રિત થવાની શકયતાઓને જોતા ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓએ આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે. ખાસ કરીને યોગી અદિત્યનાથ અમારા વિસ્તારમાં આવીને શું સંદેશ આપે છે તે જાણવા માટે લોકો ખૂબ ઉત્સુક હોય તેવું જણાઈ રહ્યું છે.

એક તરફ વરમોરા હળવદના ચૂંટણી પ્રવાસે છે ત્યારે બીજી તરફ ધ્રાંગધ્રા વોર્ડ નંબર 1 ખાતે વરમોરાનો પ્રચાર – પ્રસાર કરતા જિલ્લાના હોદેદારો, ઉત્તરપ્રદેશથી પધારેલ ત્યાંના હોદેદારો, નગરપાલિકાના તમામ વોર્ડ સુધરાઈ સભ્યો, નગરપાલિકાના હોદેદારો, સંગઠનના હોદેદારો, દરેક મોરચાના હોદેદારો, વિવિધ સમિતિના હોદેદારો સાથે બહોળી સંખ્યામાં બહેનો દ્વારા “હર ઘર સંપર્ક” કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓનું વ્યાપક સમર્થન ભાજપના ઉમેદવાર માટે જોવા મળ્યું હતું.

- text

- text