ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપીઓના વધુ રિમાન્ડની માંગ ફગાવતી કોર્ટ

- text


મોરબીની અદાલતમાં ઓરેવાના બન્ને મેનેજરના વધુ પાંચ દિવસના રિમાન્ડ મંગાયા હતા, રિમાન્ડ નામંજૂર કરતા આરોપીઓને જેલ હવાલે કરાયા

મોરબી : મોરબીમાં 30 ઓક્ટોબરે 135 લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટનામાં ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ઓરેવા કંપનીના બન્ને મેનેજરોના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવતા બન્ને પક્ષની દલીલો બાદ નામદાર અદાલતે વધુ રિમાન્ડની માંગ નામંજૂર કરી હતી. જેથી ઓરેવા કંપનીના મેનેજર સહિતનાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં ગત તા.30ના રોજ ઓરેવા ટ્રસ્ટ સંચાલિત ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં 9 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ આરોપીઓને કાર્ટમાં રજૂ કરવામાં આવતા ઓરેવાના મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ ધરાવતા પ્રકાશ રાઠોડ અને દેવાંગ રાઠોડને નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ ઉપર સોંપ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા તપાસનીશ અધિકારી દ્વારા જુદા-જુદા પાંચ મુદ્દે તપાસના કામે આરોપીઓને વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

દરમિયાન આજે નામદાર અદાલતમાં ઓરેવાના મેનેજર દિપક પારેખ અને દિનેશ દવેને વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવતા બન્ને પક્ષોની દલીલ બાદ સરકારી કચેરીઓમાં એગ્રીમેન્ટ સહિતના દસ્તાવેજી પુરાવા મેળવવામાં આરોપીઓને સાથે રાખવાનું જરૂરી ન હોવાની બચાવપક્ષની દલીલ બાદ બન્ને આરોપીઓના રિમાન્ડની માંગણી નામદાર કોર્ટે ફગાવી દીધી હતી. અને જેલ હવાલે કર્યા હતા.

- text

- text